રાજુલા તાલુકાના ડુંગર ગામે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડુંગર હોમગાર્ડના જવાનોની આગેવાનીમાં ડુંગર કન્યાશાળા, કુમાર શાળા નંબર-૧ અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને જોડીને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહેમાનોની વિશેષ હાજરી રહી હતી. અધિકારીઓ, વેપારીગણ તેમજ પત્રકાર મિત્રો પણ કાર્યક્રમને ગરિમામય બનાવતા જોડાયા હતા. સ્થાપના દિવસ નિમિત્તે બંને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દોરડા ખેંચ જેવી રમતોનું આયોજન થયું હતું, જેમાં વિજેતા ટીમોને મોમેન્ટો પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા. ઉપરાંત હોમગાર્ડ જવાનો દ્વારા ટ્રેનિંગ દરમ્યાન મળતી પ્રાથમિક સારવાર, રોડ અકસ્માત સમયે શું કરવું, કોને અને ક્યા વિભાગને જાણ કરવી વગેરે મુદ્દાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે માહિતીસભર રજૂઆત પણ કરવામાં આવી હતી.









































