અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીના હુમલાઓ યથાવત રહેવા પામ્યા છે. હજુ બે દિવસ પહેલા ખાંભાના ચતુરી ગામે સિંહણે બાળકને ફાડી ખાધાની ઘટના તાજી છે ત્યારે શુક્રવારે સાંજના સમયે સિંહણે રાજુલાના છતડીયા ગામની સીમમાં મહિલા પર હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જાણવા મળતી માહિતી મુજબ રાજુલાના છતડીયા ગામે અનકભાઈ ડાભીયાની છતડીયા-વડની વચ્ચે આવેલા ખેતરમાં માવજીભાઈ ચૌહાણના પત્ની શાંતુબેન કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક જ સિંહણ ત્યાં ધસી આવી હતી અને મહિલા કંઈ સમજે તે પહેલા જ હુમલો કર્યો હતો જા કે સિંહણના હુમલાથી રાડારાડ થતા તે નાસી છુટી હતી. સિંહણે મહિલાને નખ મારી ઈજા પહોંચાડી હોવાથી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે રાજુલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે ખાંભાના ચતુરી ગામે સિંહણે બાળકને ફાડી ખાધા બાદ વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને આ બાબતે નવી એસઓપી બનાવવાની શેખી મારી હતી પરંતુ વનમંત્રીની અમરેલી જિલ્લાની મુલાકાતના દિવસે જ છતડીયા ગામે મહિલા પર સિંહણે હુમલો કરતા વનખાતાની કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી વન્યપ્રાણીઓ માનવજીવ પર હુમલો કરતા હોવાથી ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે અને લોકો વનવિભાગની કામગીરી સામે હાક થૂં કરી રહ્યાં છે.