રાજુલા તાલુકાના ચૌત્રા ગામે ભુતડાદાદના મંદિરની પાસે પુલના રોડ પર જૂની અદાવતના મનદુઃખમાં એક યુવક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી હતી. ચાર મહિના પહેલા બનેલી એક કૌટુંબિક ઘટનાનો ખાર રાખીને અલ્ટો કારમાં આવેલા શખ્સોએ મોટરસાયકલ આંતરી લોખંડના પાઇપ વડે બેરહેમીથી માર મારતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે મોટા બારમણ ગામે રહેતા યુવરાજભાઈ મધુભાઈ ચાંદએ ભાવરડી ગામના કમલેશભાઈ લખુભાઈ ધાખડા તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની માસીયાઈ બહેન ચારેક મહિના પહેલા કમલેશભાઈ ધાખડા સાથે જતી રહી હતી. આ બાબતે અગાઉ તેમની અને આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. તેઓ તેના મિત્રો શિવરાજભાઈ મંગળુભાઈ વરુ અને રણજીતભાઈ સાથે મોટરસાયકલ લઈને મોટા બારમણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ હુમલો થયો હતો. ચૌત્રા ગામ પાસે આવેલા ભુતડાદાદાના મંદિર નજીકનો પુલ પર હુમલાખોરોએ પોતાની અલ્ટો કાર તેમની મોટરસાયકલ આડે નાખી રસ્તો રોક્યો હતો. કારમાંથી ઉતરેલા બે અજાણ્યા શખ્સો અને કમલેશભાઈ ધાખડાએ લોખંડના પાઇપ વડે હુમલો શરૂ કર્યો હતો. હુમલાખોરોએ તેમને ગાળો આપી લોખંડના પાઇપના આડેધડ ઘા ઝીંક્યા હતા, જેના કારણે ફરિયાદીને બંને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. વચમાં છોડાવવા પડેલા સાહેદ શિવરાજભાઈને પણ માથાના ભાગે અને પગે પાઇપ મારી પુલ નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. જતી વખતે આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









































