રાજુલા તાલુકાના ચોત્રા ગામ નજીક આવેલ રોડ ઉપર મોમાઈ માતાજીના મંદિરમાં રાત્રીના ૨ અજાણ્યા બુકાનીધારી ચોર માતાજીના મંદિરમાં ત્રાટકયા હતા. તેઓ ધીરે ધીરે ચારે તરફ રેકી કરી જોતા-જોતા સુમસામ વાતાવરણમાં અંદર આવ્યા હતા. તસ્કરોનું ટાર્ગેટ દાનપેટી હોવાને કારણે આખી દાનપેટીની ઉઠાંતરી કરી હતી. આ ઘટના બાદ મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી પ્રકાશભાઈ મનુભાઈ રામપ્રસાદીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક અજાણ્યા ઈસમો સામે ચોરી કર્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં રૂ.૫૦,૦૦૦ ઉપરાંતની ચોરી થયાની ફરિયાદ નોંધાતા રાજુલા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા ૨ ઈસમો ચોરી કરવા આવી રહ્યા છે અને મંદિરની દાનપેટી ઉઠાવી રહ્યા છે તે ઘટનાક્રમ કેદ થયો હતો તેના આધારે આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી કેટલાક લોકોની પૂછપરછ શરૂ કરી છે.