અમરેલી જિલ્લામાં કેટલાક વાહનચાલકો બેફામ વાહન ચલાવતા હોવાથી છાશવારે અકસ્માત સર્જાતા હોય છે. પોલીસ બેફિકરાઈથી વાહન ચલાવતા વાહનચાલકો સામે કડક કામગીરી કરતા હોવા છતાં આવા ઈસમો અન્યને ઈજા પહોંચાડતા હોય જેમાં અનેક લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે. રાજુલા તાલુકાના ચાંચબંદર ગામે રહેતા એક આધેડ સાથે ગામના એક ઈસમે બેફિકરાઈથી મોટરસાયકલ ચલાવી અથડાવતા ઈજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચાંચબંદર ગામે રહેતા ધીરૂભાઈ નાનજીભાઈ ગુજરીયાએ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ મોટરસાયકલ લઈને ગામમાં જતા હતા ત્યારે ખેતરપાળ દાદાની જગ્યા પાસે પહોંચતા સામેથી ચાંચબંદર ગામના હરેશભાઈ જેઠવા પોતાનું મોટરસાયકલ બેફિકરાઈભર્યુ ચલાવી અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતને કારણે ધીરૂભાઈને મોઢાના ડાબા જડબા ઉપર ફેક્ચર જેવી ગંભીર ઈજા કરી તેમજ બંને હાથના અંગૂઠા પર મૂંઢ ઈજા કરી હતી. જેથી ધીરૂભાઈએ હરેશભાઈ જેઠવા સામે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.










































