રાજુલા અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં થયેલા માવઠા અને ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય ચુકવવા માટે માર્કેટ યાર્ડ-રાજુલા અને રા.ખાં.તા.સ.સંઘ લી.-રાજુલાના પ્રમુખ જીજ્ઞેશ એમ. પટેલે રાજ્યના
કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ એચ. પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, અચાનક વાતાવરણમાં આવેલા પરિવર્તનના કારણે રાજુલા અને આસપાસના વિસ્તારમાં માવઠા સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. હાલ ઉનાળાની સિઝન હોવાથી ખેતરમાં વાવેલા તલ, બાજરી, ડુંગળી જેવા ઉનાળુ પાકોને ભારે અસર થઈ છે. આ ઉપરાંત, બાગાયતી ખેતીમાં કેરીના પાકને પણ આ વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. જીજ્ઞેશ પટેલે સરકારને વહેલી તકે સ્થળ સર્વે કરાવી, થયેલા નુકસાન અંગે કામગીરી કરીને ખેડૂતોને યોગ્ય અને સમય મર્યાદામાં સહાય મળે તેવી વિનંતી કરી છે. ચોમાસાની સિઝનની કામગીરી શરૂ થવાની હોવાથી, ખેડૂતોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી અને આ બાબતે તાત્કાલિક નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.