રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના ૬૦ વર્ષીય ખેડૂત જેરામભાઈ દેવશીભાઈ હડીયાનો મૃતદેહ ગુરૂવારે વહેલી સવારે ધાતરવડી નદીમાંથી મળી આવ્યો હતો. જેરામભાઈ ધાતરવડી ડેમના દરવાજાથી ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાંથી ગુમ થયા હતા.જેરામભાઈ ગુમ થયા બાદ તેમના પરિવારજનો દ્વારા દિવસભરની શોધખોળ બાદ મોડી રાત્રે રાજુલા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરાઈ હતી. તાલુકા પંચાયતના એ.ટી.ડી.ઓ. અને તલાટી મંત્રીએ ગ્રામજનો પાસેથી માહિતી મેળવી નદી કાંઠાના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. ખાખબાઈ ગામ નજીક ધાતરવડી ડેમના દરવાજા છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે ખુલ્લા હોવાથી નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો વહી રહ્યો હતો.ગુરૂવારે વહેલી સવારે જેરામભાઈનો મૃતદેહ નદીમાંથી મળી આવતા સ્થાનિક લોકોએ તેને બહાર કાઢ્યો હતો. રાજુલા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.