રાજુલા તાલુકાના ખાંભલીયા ગામના એક ખેડૂતે સમાજ માટે પ્રેરણાદાયી દાખલો પૂરો પાડ્‌યો છે. ખાંભલીયા ગામના નિવાસી ગોવિંદભાઈ ડાયાભાઈ પરમાર રાજુલા ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કૃષિ શાખામાં પોતાના રૂ.૬૦,૦૦૦ ઉપાડવા માટે ગયા હતા. પરંતુ બેંકના કર્મચારીની ક્ષતિના કારણે તેમને ભૂલથી કુલ રૂ.૧,૧૦,૦૦૦ આપવામાં આવ્યા હતા, એટલે કે રૂ.૫૦,૦૦૦ જેટલી મોટી રકમ વધુ મળી ગઈ હતી. અભણ ખેડૂત હોવા છતાં ગોવિંદભાઈએ આ રકમ સાચી હોવાનું માનીને પોતાના ઘરે લઈ ગયા હતા. બાદમાં ત્રણ દિવસ પછી બેંકના સત્તાધીશોને આ મોટી ભૂલની જાણ થઈ ત્યારે તેમણે તુરંત આ ખેડૂતનો સંપર્ક સાધ્યો હતો. તે જ સમયે ગોવિંદભાઈએ સાચું બોલીને જણાવ્યું કે આ રકમ સુરક્ષિત રીતે તેમના ઘરે જ પડેલી છે. આ પછી ગોવિંદભાઈના પુત્ર હરેશભાઈ, ગામના સરપંચ પ્રતિનિધિ જનકભાઈ લાખણોત્રા અને અન્ય મિત્રો સાથે બેંકમાં જઈને આ વધારાના રૂ.૫૦,૦૦૦ પરત સોંપ્યા હતા. ખેડૂત પરિવારની આવી અદ્ભુત પ્રામાણિકતા જોઈને બેંકના મેનેજર સહિત સમગ્ર સ્ટાફે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.