ગુજરાત પશુપાલન વિભાગ અને જિલ્લા પંચાયત અમરેલીના સહયોગથી
રાજુલા તાલુકાના કાતર ગામે ગુજરાત પશુપાલન વિભાગ અને જિલ્લા પંચાયત અમરેલીના સહયોગથી ત્રણ દિવસીય ખરવા-મોવાસા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કુલ ૩,૫૦૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રસીકરણ અભિયાનમાં ગાય, બળદ, ભેંસ, બકરા અને ઘેટાં સહિતના પશુઓને આવરી લેવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે રેઢિયાળ પશુઓ, બીજા દિવસે ગાય, બળદ અને ભેંસ, જ્યારે ત્રીજા દિવસે બકરા અને ઘેટાંનું રસીકરણ કરવામાં આવ્યું હતું. કેમ્પનું દીપ પ્રાગટ્ય અમરેલી જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર અને કાતર દરબાર દાદબાપુ વરુના હસ્તે કરવામાં આવ્યું હતું. પશુ દવાખાના રાજુલાના પશુ ચિકિત્સા અધિકારી ડો. વી.વી. ભૂત અને પશુધન નિરીક્ષક સી.બી. ચાવડાની ટીમે રસીકરણની કામગીરી સંભાળી હતી. પશુપ્રેમી નાનકુભાઈ વરુના સક્રિય યોગદાન અને આગેવાની હેઠળ આ કેમ્પ સફળ રહ્યો હતો, જેઓ દર વર્ષે પશુઓની સુરક્ષા માટે આવા કાર્યક્રમોમાં સહયોગ આપે છે. દાદબાપુની વાડીમાં આયોજિત આ કેમ્પમાં કાતર ગામના તમામ પશુપાલકો અને આગેવાનોએ સ્વયંભૂ હાજરી આપી પોતાના પશુઓનું રસીકરણ કરાવ્યું હતું.










































