અમરેલી જિલ્લામાંથી ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે. જેમાં રાજુલાના કડીયાળી ગામ પાસે આજે બપોરના સમયે બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા બંને બાઈકસવારના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાઈકમાં પાછળ બેસેલા મહિલાને ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. રાજુલાના ખેરા ગામના રહેવાસી કાનજીભાઈ નારણભાઈ બારૈયા અને તેમના પત્ની માયાબેન એક બાઈક પર સવાર હતા. જ્યારે સામેની બાઈક પર પુનાભાઈ ગુજરીયા નામનો યુવક સવાર હતો. આ બંને બાઈક વચ્ચે કડીયાળી પાસે અકસ્માત સર્જાતા કાનજીભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સામેની બાઈક પર સવાર પુનાભાઈ ગુજરીયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે માયાબેનને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખેસડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.