રાજુલા તાલુકાના કડીયાળી ગામે ખોવાયેલો ફોન પાછો માંગવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર હુમલો કરી, લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે રમેશભાઇ આતુભાઇ બારૈયા (ઉ.વ. ૩૫)એ મનસુખભાઇ સોમાતભાઇ બારૈયા તથા હરેશભાઇ સોમાતભાઇ બારૈયા સામે રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, રમેશભાઈનો જિયો કંપનીનો કીપેડવાળો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો, જે મનસુખભાઈ બારૈયાને મળ્યો હતો. રમેશભાઈએ પોતાનો ફોન પાછો માંગતા મનસુખભાઈએ ફોન આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ વાતની દાઝ રાખીને મનસુખભાઈ અને હરેશભાઈએ રમેશભાઈને લોખંડના પાઇપ વડે શરીરે આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં રમેશભાઈને ડાબા હાથે તથા પીઠ (વાંસા)ના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ સાથે જ
બંને આરોપીઓએ તેમને જેમ તેમ બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રાજુલા પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.









































