ધોલેરા નજીક નાણા ગામ પાસે સાંઢીડા એક્સપ્રેસ હાઈવે નીચેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતકના ખિસ્સામાંથી એક આધારકાર્ડ મળ્યું, જેના આધારે મૃતકની ઓળખ ઉનાગર ગિરધરભાઈ મનજીભાઈ રહેવાસી રાજુલાના હોવાનું ખુલ્યુ હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગિરધરભાઈ ખાનગી ટ્રાવેલ્સમાં મહેતાજી તરીકે નોકરી કરતા હતા. જોકે, તેમનું મૃત્યુ કઈ રીતે થયું તે સ્પષ્ટ નથી અને ઘટના શંકાસ્પદ જણાતા પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. મૃતદેહને વધુ તપાસ માટે ધંધુકાની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.





































