અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદે તબાહી મચાવી હતી. વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા સાવરકુંડલા, રાજુલા અને અમરેલી પંથકમાં ભારે નુકસાન થયું છે. નદીઓમાં ઘોડાપુર અનેક પશુઓ તણાયા છે. રાજુલા નજીક કાર તણાતાં એકનું મોત થયું છે જ્યારે જિલ્લામાં ૩૦થી વધુ પશુઓના મોત થયા છે.કાઠમા ગામ નજીક નટુપરી બાપુના આશ્રમમાં મોડી રાતે પાણી ઘુસતા ૮ પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા.રાજુલા તાલુકાના ઉટિયા-રાજપરડા ગામ વચ્ચે બ્રિજ પર પાણીના પ્રવાહને કારણે ભુવો પડ્‌યો જેના કારણે બ્રિજ પરથી પસાર થતી કાર તણાઈ ગઈ, જેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાનભાઈ વાઘનું મોત થયું. તંત્ર દ્વારા બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી હતી.બાબરા પંથકમાં મોડી રાતે નાની કુંડળ ગામ નજીક કોઝવેમાં અલ્ટિકા કાર તણાઈ હતી, જેમાં ૩ લોકો ફસાયા હતા. મધરાતે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ૨ પુરુષ અને ૧ બાળકને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા હતા.અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ સવારી આવી પડી છે. લીલીયા તાલુકાના ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા લીલીયા શહેરમાં આવેલ નાવલી નદી માં ઉપરવાસના ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને બજારોમાં પાણી ભરાયા હતા. જયારે જિલ્લામાં બીજા તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.