પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે રાજુલાથી ધાર્મિક સ્થળોએ જવા અને એસટી સેવા વિહોણા રાજુલા પંથકના ૩૦ ગામોમાં સેવા શરૂ કરવા માટે વેપારીઓ દ્વારા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તથા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. વેપારી મંડળના પ્રમુખ મનીષભાઈ વાળા, ગૌરાંગભાઈ મહેતા તેમજ માજી ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા તથા ચંપુભાઈ સહિતના વેપારીઓએ ધારાસભ્ય કાર્યાલયે એસટી વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. જેના અનુસંધાને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ડેપો મેનેજર મમતાબેન જોષી તેમજ એસટી વિભાગના સંબંધિત અધિકારીઓને કાર્યાલય બોલાવી અને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. વેપારીઓ દ્વારા રાજુલાના વિવિધ ગામેથી ધાર્મિક સ્થળોએ જવા તથા રાજકોટ જવા અને ભેરાઈ, રામપરા, બાલાપર, મહુંદડા, નવાગામ, સાપરી ડોળીયા, સાજણાવાવ, ડુંગરપરડા, ધારેશ્વર તથા ભાક્ષી વડ, ભચાદર, ધારાનો નેસ તથા કાગધામ, મોભીયાણા, મોરંગી, પીસડી, એભલવડ, જીકાદ્રી, ધારા બંદર, બાબરકોટ, વારાહ સ્વરૂપ, ભાકોદર, વડલી તથા લોર શહીદ જેવા સંપૂર્ણ એસટી વિહોણા ૩૦ ગામડાએ એસટીના દર્શન કર્યા નથી તેનો ઉકેલવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત રાજુલા એસટી બસ સ્ટેન્ડમાં ગ્રાઉન્ડ ઉપર લાઈટો નથી તો આ લાઈટો નાખવામાં આવે તથા બાઉન્ડ્રીની દિવાલ પડી ગઈ હોવાથી માલ ઢોર અંદર આવી જતા હોવાથી દિવાલ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.