આજે રાજસ્થાન વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડા અને સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ગુડાને ગૃહમાંથી બહાર નીકળવામાં આવ્યા હતા. ગૃહની બહાર મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રાજેન્દ્ર ગુડાએ કહ્યું કે, મેં શુક્રવારે કહ્યું હતું કે રાજસ્થાનમાં મહિલાઓ સુરક્ષિત નથી. મને નોટિસ આપ્યા વગર સીધો જ બરતરફ કરવામાં આવ્યો છે. મને ધારાસભ્ય તરીકે બેસવા માટે જગ્યા પણ આપવામાં ન આવી. આ બાબતે માફીની માંગ કરવામાં આવી છે જેના પર ગુડાએ કહ્યું, મેં કઈ ખોટું કર્યું જ નથી.
બંને નેતાઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. ઝપાઝપી પછી, ગુડાને માર્શલ દ્વારા બહાર નીકળી દેવામાં આવ્યા હતા. ધારાસભ્ય રફીક ખાને કહ્યું કે- પહેલીવાર પિતા સમાન ધારીવાલ પર આ પ્રકારે હુમલો થયો. જા મેં અને સાથી ધારાસભ્યોએ કાર્યવાહી દરમિયાન બચાવ ન કર્યો હોત તો ઘટનાનું મોટું સ્વરૂપ સામે આવત. ધારીવાલ પર પહેલા ગુડાએ પ્રહાર કર્યો હતો. તેણે ધક્કો માર્યો અને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન, અમે તમામ કોંગ્રેસના ધારાસભ્યો બચાવમાં આવ્યા. આ ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે.