રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઈન્દીરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજનાના અમલીકરણ માટે નવી માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. સીએમ ગેહલોતે કહ્યું છે કે સ્થાનિક સંસ્થા વિસ્તારમાં રહેતા ૧૮ થી ૬૦ વર્ષની વય જૂથના સભ્યોની નોંધણી જન આધાર કાર્ડના આધારે કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યોજના હેઠળ કામની મંજૂરી મેળવવા માટે, રાજ્ય/જિલ્લા/બોડી સ્તરે સમિતિઓ દ્વારા કામ મંજૂર કરવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.
સીએમ ગેહલોતે જણાવ્યું હતું કે, સામાન્ય કામ મંજૂર કરવા અને ચલાવવા માટે સામગ્રી ખર્ચ અને મહેનતાણું ખર્ચનો ગુણોત્તર ૨૫ઃ૭૫ હશે. જ્યારે વિશિષ્ટ પ્રકૃતિના કામો માટે, સામગ્રીની કિંમત અને મહેનતાણુંનો ગુણોત્તર ૭૫ઃ૨૫ રહેશે. તેમના નિવેદનમાં, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મનરેગા હેઠળ, મજૂરોના બેંક ખાતામાં ૧૫ દિવસમાં કામ ચૂકવવામાં આવશે. ગેહલોતે જણાવ્યું હતું કે, આ ઉપરાંત સ્કીમમાં ફરિયાદ નિવારણ અને સામાજિક ઓડિટની જોગવાઈની સાથે કામના સ્થળે કામદારોને સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.
સીએમએ જણાવ્યું હતું કે, આ યોજનાને ચલાવવા માટે, સ્થાનિક સંસ્થા વિભાગ અથવા સંસ્થા સ્તરે એક યોજના બનાવવામાં આવશે, જેમાં વિવિધ અધિકારીઓ/કર્મચારીઓ પ્રતિનિયુક્તિ/કોન્ટ્રેક્ટ પર નિયુક્ત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર આપવા માટે શરૂ કરવામાં આવી હતી. તે જ તર્જ પર શહેરી વિસ્તારોમાં રોજગારી આપવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે.
ગેહલોતે રાજ્યના બજેટ ૨૦૨૨-૨૩માં ઇન્દીરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં રહેતા પરિવારોને દર વર્ષે ૧૦૦ દિવસની રોજગારી આપવાની જોહેરાત કરી હતી. રાજ્ય સરકાર આ મહત્વકાંક્ષી યોજના પાછળ દર વર્ષે રૂ. ૮૦૦ કરોડનો ખર્ચ કરશે.