રાજસ્થાનના બુંદી શહેરમાં સાત વર્ષની બાળકી પર તેના મકાન માલિકના પુત્ર દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે ૨૪
વર્ષીય આરોપીને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે, જે ઘરેથી ફરાર છે. બુંદીના પોલીસ અધિક્ષક (એસપી સિટી) હનુમાન પ્રસાદ મીણાએ જણાવ્યું કે આ ઘટના બુધવારે શહેરના બાયપાસ રોડ વિસ્તારમાં બની હતી, પરંતુ તેના માતા-પિતાને ગુરુવારે રાત્રે તેની જાણ થઈ હતી.
મીનાએ જણાવ્યું કે પીડિતાના માતા-પિતાએ જોયું કે તેમની પુત્રીને પેશાબ કરતી વખતે દુખાવો થતો હતો. તેના પ્રાઈવેટ પાર્ટની આસપાસ લોહીના ડાઘ હતા, જેના પગલે તેમણે શુક્રવારે સવારે બુંદી જિલ્લા બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો હતો. બાદમાં બુંદી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના પ્રમુખ સીમા પોદ્દારે પોલીસને ઘટનાની જાણ કરી હતી.
એસપીએ કહ્યું કે આરોપીઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગથી ટીમ બનાવી છે.આ ઘટના બાદ પરિવારજનોમાં રોષનો માહોલ છે. પીડિતાના પરિવારજનોએ આરોપીઓને જલ્દી પકડવાની માંગ કરી છે. ૭ વર્ષની માસૂમ બાળકી બળાત્કારની ઘટના વિશે સાંભળીને આઘાતમાં છે.