રાજસ્થાન યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ નિર્મલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ૨૦૨૨ ના ગેરકાયદેસર સભાના કેસમાં શનિવારે જયપુર પોલીસે તેમની ધરપકડ કરી હતી. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે પોલીસે નિર્મલને પકડી લીધો.
નિર્મલની ધરપકડ પછી, રાજસ્થાનના ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોત અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે પોલીસ કાર્યવાહીની નિંદા કરી છે. તમને જણાવી દઈએ કે નિર્મલ ચૌધરી એક વિદ્યાર્થી નેતા છે અને ઘણીવાર વિદ્યાર્થીઓના હિતના મુદ્દાઓ ઉઠાવે છે. તે સોશિયલ મીડિયા પર યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.
જયપુરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) તેજસ્વિની ગૌતમે જણાવ્યું હતું કે, ‘રાજસ્થાન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ નિર્મલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તેમને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે પકડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીના અહેવાલ બાદ, નિર્મલ ચૌધરીને આજે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.’
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગૌતમે જણાવ્યું હતું કે, ‘ગેરકાયદેસર સભા યોજવા અને રસ્તો બ્લોક કરવા ઉપરાંત, નિર્મલ ચૌધરી પર ગાંધી નગર પોલીસ સ્ટેશનના તત્કાલીન સ્ટેશન ઇન્ચાર્જ સાથે ગેરવર્તન કરવાનો પણ આરોપ છે.’
જ્યારે નિર્મલની ધરપકડ કરવામાં આવી ત્યારે સંગારિયાના કોંગ્રેસના ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અભિમન્યુ પુનિયા પણ ત્યાં હાજર હતા. પોલીસ પુનિયાને ચૌધરી સાથે ગાંધી નગર પોલીસ સ્ટેશન લઈ ગઈ. જોકે, બાદમાં પોલીસે કહ્યું કે પુનિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ચૌધરી સામે પોલીસ કાર્યવાહીની નિંદા કરી. તેમણે કહ્યું, ‘પરીક્ષા આપતી વખતે પુનિયા અને ચૌધરીની અટકાયત અન્યાયી અને લોકશાહી વિરુદ્ધ છે.’
ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે આ કાર્યવાહી અંગે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, ‘ભાજપ સરકાર કોંગ્રેસ અને કોંગ્રેસ સમર્થિત નેતાઓને નિશાન બનાવી રહી છે. જા પોલીસ અને વહીવટીતંત્ર બદલો લેવા માટે વિપક્ષી પક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે કાર્યવાહી કરશે, તો અમે તેનો સખત વિરોધ કરીશું.વિપક્ષી નેતા ટીકારામ જુલીએ કહ્યું કે વિદ્યાર્થી નેતા સામેની કાર્યવાહી લોકશાહી વિરુદ્ધ છે. આ સરમુખત્યારશાહી છે.









































