– પટવાની હવેલી:
પટવાની હવેલીની અંદર પાંચ જેટલી હવેલીઓ આવેલી છે. આ હવેલી ૧૮૦૫માં ગુમાનચંદ પટવાએ તેમના પાંચ પુત્રો માટે બંધાવી હતી. આ હવેલીના નિર્માણ પાછળ ૫૦ વર્ષનો સમય લાગ્યો હતો. જેસલમેરની સૌથી મોટી અને સુંદર કલા-કોતરણીવાળી હવેલી જોવા જેવી છે. આ પાંચ માળનું માળખું એક સાંકડી ગલીમાં ગર્વથી ઊભેલું જોવા મળે છે. હવેલીની અંદરની દીવાલો પર હજુ કેટલાંક ચિત્રો અને કાચની કારીગરી જોઈ શકાય છે. આ હવેલી સાંકડી ગલીમાં આવેલી હોવાથી પ્રવાસીઓએ પગપાળા જ અહીં જવું પડે છે.
– રામદેવરા મંદિર:
અહીંનું રામદેવરા મંદિર રાજસ્થાનનું એક જાણીતું મંદિર છે. આ રામદેવરા મંદિર રુનીચા બાબા રામદેવ અને રામસા પીરનું પવિત્ર સ્થળ છે. રામદેવરા મંદિરમાં તમામ ધર્મના લોકો દર્શન અને પૂજા-અર્ચના કરવા આવે છે. રામદેવજી રાજસ્થાનના લોકદેવતા હોઇ, હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક મનાય છે. આ મંદિર પોખરણથી ૧૨ કિમીના અંતરે જોધપુર-જેસલમેર રોડ પર આવેલું છે. આ મંદિર બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ પણ છે. અહીં ભાદરવામાં મોટો મેળો ભરાય છે અને દૂર-દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે.
– જેસલમેર મ્યુઝિયમ:
જેસલમેર મ્યુઝિયમ પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ મ્યુઝિયમનું સંચાલન પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ કરે છે. અહીં સૌથી મહ¥વનું પ્રદર્શન રાજસ્થાનના રાજ્ય પક્ષી ગોદાવણની ટ્રોફી છે. અહીં ૭મી અને ૯મી સદીની પરંપરાગત ચીજ-વસ્તુઓ, રોક કટ ક્રોકરી, આભૂષણો અને મૂર્તિઓ શહેરનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો રજૂ કરે છે.
– મંદિર પેલેસ:
આ મંદિર પેલેસ મહેલ તાજિયા આકારમાં હોવાથી તેને તાજિયા પેલેસ પણ કહે છે. બસો વર્ષ સુધી આ મહેલ જેસલમેરના શાસકોનું નિવાસસ્થાન રહ્યો હતો. જેમાં બાદલ વિલાસ નામનો ભાગ શહેરની સૌથી ઊંચી ઇમારત મનાય છે. બાદલ મહેલ (કાઉડ પેલેસ)ની પાંચ માળની વાસ્તુ રચના તેના પેગોડા શ્રીદશા તાજિયા ટાવર દ્વારા આગળ વધારી હતી. મહેલના દરેકે દરેક માળ પર અદ્ભુત કોતરણીવાળા ઝરુખા છે. બાદલ પેલેસ મુસ્લિમ શિલ્પ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં તાજિયા આકારના ટાવર બનાવેલાં છે. આ મંદિર પેલેસમાં પરિવર્તન કરી હવે પ્રવાસીઓ માટે હેરિટેજ હોટલ બનાવી છે, જ્યાં પ્રવાસીઓ આવાસ-નિવાસ કરીને રાજા-મહારાજા અને રાણી-મહારાણી જેવી અનુભૂતિ કરી શકે છે.
– બડા બાગ:
બડા બાગ એ એક વિશાળ પાર્ક છે, જેમાં ભાટી રાજાઓની સ્મૃતિઓ આવેલી છે. બડા બાગ એ જેસલમેરથી ૬ કિલોમીટરના અંતરે ઉત્તરમાં આવેલું છે, જે બરબાગના નામે પણ ઓળખાય છે. આ બગીચામાં જયસિંહ દ્વિતીય સહિત જેસલમેર રાજના પૂર્વ મહારાજાઓની શાહી છત્રીઓ છે. ગાર્ડનનું સ્થાન એવું છે કે પ્રવાસીઓને અહીંથી સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણવા મળે છે. જેસલમેરના મહારાજા જયસિંહ દ્વિતીયએ એક ડેમ બનાવ્યો હતો, જેના કારણે જેસલમેરનો મોટો ભાગ હરિયાળો બની ગયો હતો. તેમના નિધન બાદ ૧૭૪૩માં તેમના પુત્ર લુણકરણે તેના પિતાની છત્રીનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ પણ જેસલમેરના અન્ય રાજાઓના નિધન બાદ તેમની છત્રીઓનું અહીં નિર્માણ કરવામાં આવ્યું હતું. (ક્રમશઃ)
sanjogpurti@gmail.com