રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે યુદ્ધાભ્યાસ દરમિયાન અકસ્માત સર્જાયો છે. ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન તેજસ ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફાઇટર એરક્રાફ્ટ યુદ્ધાભ્યાસમાં સામેલ હતું. સદનસીબે પ્લેન પડે તે પહેલા જ પાયલોટ બચી જવામાં સફળ રહ્યા હતા. જાકે, પેરાશૂટ સમયસર ન ખુલવાને કારણે એક પાયલટ ઘાયલ થયો છે.
વાયુસેનાએ એક નિવેદન જારી કરીને દુર્ઘટનાની જાણકારી આપી છે. વાયુસેનાએ કહ્યું, ‘ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન આજે જેસલમેરમાં ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. પાયલોટ્‌સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી છે.
જેસલમેર શહેરની મધ્યમાં જવાહર કોલોની પાસે આ વિમાન આગના ગોળાની જેમ પડ્યું હતું. ફાઈટર પ્લેન એક હોસ્ટેલ સાથે પણ અથડાયું હતું. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્લેન પડતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્લેન પડતાની સાથે જ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.