સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. આ સાથે જ શ્રીનગરથી લઇને ચેન્નાઇમાં એક લિટર ડીઝલનો ભાવ ૯૯ રૃપિયાને પાર થઇ ગયો છે. એક લિટર ડીઝલનો ભાવ શ્રીનગરમાં ૯૯.૧૪ રૃપિયા અને ચેન્નાઇમાં ૯૯.૫૯ થઇ ગયો છે.
આ દરમિયાન ભાજપ નેતા અને ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં ખેલ, યુવા કલ્યાણ મંત્રી ઉપેન્દ્ર તિવારીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું છે કે દેશની ૯૫ ટકા વસ્તી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરતી નથી અને પેટ્રાલ અને ડીઝલના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૬.૫૪ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૯૫.૨૭ રૃપિયા થઇ ગયો છે. જ્યારે મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૧૨.૪૪ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૩.૨૬ રૃપિયા થઇ ગયો છે.
૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં ૬.૮૫ રૃપિયા અને ૨૮ સપ્ટેમ્બરથી પેટ્રોલના ભાવમાં ૫.૩૫ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ૧૮ અને ૧૯ ઓક્ટોબરે ભાવ વધારવામાં આવ્યા ન હતાં. તેની પહેલા સળંગ ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલનો ભાવ દેશના તમામ રાજ્યોના પાટનગરમાં ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ ૧૨ રાજ્યોમાં ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે.દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ રાજસ્થાનના ગંગાનગરમાં છે. ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૧૮.૫૯ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૯.૪૧ રૃપિયા થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટનો દર અલગ હોવાથી તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અલગ અલગ જાવા મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ વધીને ૮૫ ડોલરને પાર થઇ ગયો છે.
ચોથી મેથી ૧૭ જુલાઇ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૧૧.૪૪ રૃપિયા અને ડીઝલના ભાવમાં ૯.૧૪ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.