કેસર કેરી છેલ્લી એક સદીથી બાગાયતી પાકોમાં રાજરાણીનો ઠાઠમાઠ ભોગવે છે. ગુજરાતી પ્રજા કેસર ઘેલી પ્રજા છે. કેસર કેરીનું પિયર ઊના છે. એક જમાનામાં આ કેરી માત્ર ઊના પંથકમાં જ થતી અને ત્યારે એનો રંગ પિતાંબર જેવો પીળો હતો. જૂનાગઢના નવાબના બાગબગીચા વિભાગના વડા એક વિદ્વાન સાલેભાઈ હતા. આ સાલેભાઈ કલમો કરવાના નિષ્ણાત હતા. એમણે ઊનાથી કેસરના સંખ્યાબંધ છોડ લાવીને ગિરનારની તળેટીમાં વાવ્યા. ગિરનારતળે એ સમયે માથેરાન જેવી લાલ માટી હતી.
આજે પણ પરિક્રમાના રસ્તે કેટલાક ટૂંકા પટ્ટામાં લાલ માટી હજુ છે. લાલઢોરી તરીકે ઓળખાતા તળેટી વિભાગમાં આજે પણ અસલ લાલ માટી છે. આજે આ વિસ્તાર કૃષિ યુનિવર્સિટી હસ્તક છે જ્યાં એક ઔષધિવન બનાવવામાં આવ્યું છે. તળેટીની લાલ માટીને કારણે ઊનાની કેરીએ અહીં કેસરી રંગ ધારણ કર્યો. એ સમયે કેરી શબ્દ પ્રચલિત નહોતો. આંબલીના આંબલિયા એમ આંબાના ફળ આમડી. જૂનાગઢમાં આ જે નવા કેસરી રંગની કેરી નવાબે પ્રજા માટે બજારમાં મૂકી એનું નામ સાલેભાઈની આમડી પડ્‌યું.
પિતાંબરી વર્ણની કેરીને કેસરરંગી બનાવવા બદલ તત્કાલીન બ્રિટિશ સરકારે નવાબના કહેવાથી આ બાગાયતી વિદ્વાનને ‘સાલે હિન્દ’ નો ખિતાબ આપ્યો હતો જે આજે પણ જૂનાગઢ મ્યુઝિયમમાં જોઈ શકાય છે. વળી સોરઠની ભોમકામાં આવ્યા પછી પેલી પિતાંબરીનું માધુર્ય પણ પારાવાર વધી ગયું. રેસા હતા તે નહિવત્ થયા. એક નવી જ નીપજ કેસરરૂપે ગુજરાતીઓને મળી. ત્યાર પછી નિરંતર કેસર કેરીએ લોકહૃદય પર એકચક્રી સામ્રાજ્ય જમાવી દીધું. ક્રમશઃ રાજ્યના અનેક જિલ્લાઓમાં કેસરના વાવેતર થયા. વલસાડ, ધારી, વિસાવદર, તાલાળા એમ એના કાયમી મુકામ થયા. વચ્ચેના વરસોમાં કાર્બન કેરીનો બહુ ઉપદ્રવ થયો. હવે ગુજરાતીઓ ઓર્ગેનિક પ્રિય છે. એટલે કાર્બન કેરી ચાલતી નથી. એ પાપનો અને ખોટનો ધંધો છે. વિશ્વમાં જે જળવાયુ પરિવર્તન નામે ઓળખાતી આપત્તિ છે એનો ભોગ કેસર કેરી પણ બની રહી છે. જેમ શાકભાજી અને કઠોળના મૂળભૂત સ્વાદ ઝાંખા પડી ગયા છે એમ હવે કેસરનો સ્વાદ પણ પર્યાવરણના પ્રભાવથી બદલાઈ રહ્યો છે. આ વરસે એક તો પચીસ ટકા પાક થયો છે અને એ પાકના સ્વાદમાં પણ પહેલા જેવી રંગત નથી રહી. આંબા પર મોર બેસે ત્યાં સુધી એને ઠંડક જોઈએ અને પછી ગરમી જોઈએ. હજુ અસલ કેસરની મોસમને વાર છે. છેલ્લા બે મહિનાથી ઠંડી અને ગરમી સતત બદલાય છે. બાગાયતી કિસાનો વધુ પાક લેવાના મોહમાં આમ્રકુંજોને વધુ પાણી પીવરાવે છે એનાથી પણ પાકની મીઠાશ ઘટે છે. આંબાને બહુ જ ઓછા પાણીની જરૂર હોય. કારણ કે તો જ એ પૃથ્વીમાંથી સ¥વત¥વ મેળવી શકે. વધારે પડતા જળ સિંચનથી કેરીનો રંગ અને સ્વાદ ફિક્કા પડી જાય છે. આ વખતે કેસર કેરીની મોસમ હાથમાંથી સરી જવાનું એક કારણ એ છે કે ઓછા પાકને કારણે એ-વન કેટેગરીનો માલ નિકાસ થઈ ગયો છે. અખાતી દેશોમાં કેરીની જબરજસ્ત ડિમાન્ડ રહે છે અને ભાવ પણ બહુ ઊંચા મળે છે. બીજું કારણ એ છે કે ગયા વરસે ટૌટે વાવાઝોડાએ જે આતંક મચાવ્યો એમાં રાજ્યના હજારો આંબાઓ ધરાશયી થઈ ગયેલા છે. છતાં એની સામે જે આંબાઓ ટક્યા છે એના મૂળ થોડા વિસ્થાપિત થયા છે. એટલે એવા લાખો આંબામાં આ વરસે માર આવ્યો નથી.
જો કે કેરીની અસલ મોસમની હવે જ શરૂઆત છે. કેસર કેરીની મોસમ આકાશ ઘટાટોપ થવા સુધી ચાલે છે. પરંતુ જેવા આકાશમાં વરસાદી વાદળાઓ પહેલીવાર દેખાય એ જ સમયે કચ્છી કેરી પણ બજારમાં પહેલીવાર દેખાય છે. કચ્છી કેરીના ચાહકોનો એક આગવો સમુદાય છે. છેલ્લા ચારેક વરસથી કચ્છી કેરીએ લોકહૃદયમાં પોતાની જગ્યા બનાવવાની શરૂઆત કરી છે.
આલ્ફાન્ઝો નામના ફિરંગીએ વિકસાવેલી અને એના નામ પરથી જ ઓળખાતી હાફુસ કેરી બહુ વહેલા મુંબઈ એરપોર્ટ પર દેખાય છે. મુંબઈથી આવતા ગુજરાતીઓના હાથમાં પરિવારપ્રીતિના પ્રતીકરૂપે હાફુસનું બોક્સ આવી જાય છે. એનો સ્વાદ વિશિષ્ટ અને ચિત્તાકર્ષક હોવા છતાં ગુજરાતી
ગૃહિણીઓ ઉનાળો બેસે ત્યારથી કેસરના જ જાપ જપતી હોય છે. હાફુસની તુલનામાં કેસર ગુજરાતીઓના બજેટને પણ અનુકૂળ છે. મહુવાની જમાદાર કેરી સાવ અનોખી આસ્વાદ પરંપરાની છે.
એના ચાહકો મુંબઈ અને વિશ્વભરમાં છે. તાલાળા અને વલસાડની પ્રચલિત કેસર ઉપરાંત જ્યાંથી હાફુસ કેરી આવે છે એ રત્નાગિરિ વિસ્તારમાં હવે તો કેસરના અનેક બગીચાઓ થયા છે. દક્ષિણનું મોસમચક્ર આપણાથી એક ડગલું એડવાન્સ હોવાને કારણે બજારમાં સૌથી પહેલા રત્નાગિરિની મરાઠી કેસર જ પ્રવેશે છે અને એનોય એક આગવો ચાહક વર્ગ છે. કેરીનું સુખ પરિવારને આપવું હોય તો એકલા પૈસા પૂરતા નથી, અભ્યાસ, અનુભવ, રખડપટ્ટી, સાવધાની અને મનમોજીલો શોખ પણ હોવા જોઈએ.

કેરીનું સુખ પરિવારને આપવું હોય તો એકલા પૈસા પૂરતા નથી, અભ્યાસ, અનુભવ, રખડપટ્ટી, સાવધાની અને મનમોજીલો શોખ પણ હોવા જોઈએ