દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે તે માટે ખેત તલાવડી, બોરી બંધ અને ચેક ડેમ દ્વારા ગુજરાતમાં વિશેષ ‘જળ સંચય અભિયાન’ હાથ ધર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઇ રહ્યું છે. આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા રૂ. ૧૫૦ કરોડની મહત્વપૂર્ણ ‘ભૂગર્ભ જળ રીચાર્જ’ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ યોજનાની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા બોરને રીચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/બોર રીચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ બંધ ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ઃ૧૦ના ધોરણે એટલે કે ૯૦ ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે જયારે ૧૦ ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે. જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક અને ભૂસ્તરીય પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ભૂગર્ભ જળ અંગે વિવિધતાઓ જોવા મળે છે. રાજ્યમાં આવેલી કુલ ૧૮૫ નદીઓ પૈકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે. જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઇ થાય છે. રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે ૩૯ % ભૂગર્ભ જળ છે જેનાથી ૫૭% જેટલા વિસ્તારમાં સિંચાઈ થાય છે. કુલ ભૂગર્ભ જળ પૈકી ૮૦ % ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સિંચાઈ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળનું ખેંચાણ રીચાર્જ કરતા વધુ હોવાને કારણે ભૂગર્ભ જળના સ્તર-લેવલ નીચા જઈ રહ્યા છે એટલું જ નહિ પણ ભૂગર્ભ જળનો આવરો પણ ઘટી રહ્યો છે. આ કારણે ટ્યુબવેલની ક્ષમતા ઘટે છે અને ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ-ખેડૂતોનો નાણાકીય ખર્ચ પણ વધે છે. પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વરસાદનું પાણી ઉપરના જલભરમાં સંગ્રહ કરી શકાય છે. જમીનમાં અમુક ઊંડાઈ પછી ચીકણી માટીનું પડ આવે છે જેથી વરસાદનું પાણી સહેલાઈથી તેની નીચે ઉતરી શકતું નથી. જો આ ઉંડેના જલભરમાં વરસાદી પાણી/ ભૂતળ જળને ઉતારવું હોય-સંગ્રહ કરવો હોય તો ઠેર ઠેર રીચાર્જ ટ્યુબવેલ બનાવવા પડે. પરંતુ હાલમાં નવા ટ્યુબવેલ બનાવવા ખૂબ જ ખર્ચાળ બની જાય છે. જેના બદલે સિંચાઇના હેતુ માટે ખેડૂતો મારફતે વ્યાપક પ્રમાણમાં બનાવવામાં આવેલા બોર કે જે સમય જતા પાણી સુકાઈ જવાના કારણે બોર બંધ અને બીન ઉપયોગી થયા છે. આવા બંધ પડેલા હાલના તબક્કે બિનઉપયોગી બોરને વરસાદના પાણીથી રીચાર્જ કરવામાં આવે તો સુકાયેલા ભૂગર્ભ જળના તળ પુનઃજીવિત થઇ શકે તેમજ સતત ઉંડા જતા ભૂજળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું.