રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા . વધતા કેસો ને લઈને સરકાર દ્વારા રાજયમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. ત્યારે ગરીબ લોકોને રાશન માટે હેરાન થવું પડે નહિ તે માટે સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી . જે યોજના આવતા
મહિનાથી બંધ થઈ રહી છે. જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે તેનો ધડાકાભેર પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે જ્યારે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્ય સરકારોને આ અંગેની જોણ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબને વ્યક્તિદીઠ ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા દર મહિને આપવામાં આવતા હતા.નવેમ્બર મહિનામાં આ વિતરણ ચાલુ રહેશે પરંતુ ડિસેમ્બર મહિનામાં બંધ થઈ જશે. ગરીબોને રાશન કાર્ડ પર નિયમિત રીતે જે જથ્થો આપવામાં આવતો હોય છે એ ચાલુ રાખવામાં આવશે પરંતુ વધારાનું મફત અનાજ બંધ થઇ જશે .
ગુજરાતને સ્મોક ફ્રી સ્ટેટ બનાવવાના કારણે કેરોસીનનું વિતરણ આવતા મહિનાથી લગભગ નહીં જેવું કરવામાં આવનાર છે અને ત્યાર પછી તબક્કાવાર તે બંધ કરી દેવામાં આવશે. આ પરિસ્થિતિમાં ગરીબોની કઠણાઈ વધી ગઈ છે. મફતમાં અનાજ આપવાની યોજના બંધ કરવામાં આવતા તેની ભારે ટીકા થઈ રહી છે અને એક વર્ગ એવો પણ આક્ષેપ કરી રહ્યો છે કે વેક્સિનેશનની માફક મફત અનાજ પણ વાસ્તવમાં મફત ન હતું. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડો ઘટાડો કરતાની સાથે જ સરકારે આ યોજના પણ બંધ કરી છે.