આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લામાં ૭પ અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પૈકી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે લોક ભાગીદારીથી સવજીભાઈ ધોળકીયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સરોવરની મુલાકાતે આગામી શનીવારના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રત પધારવાના છે. જેને લઈ જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અને રાજયપાલ પોતાની મુલાકાત દરમ્યાન જળ સિંચનના કામોનું નિરીક્ષણ કરશે. હાલ ચોમાસાની ઋતુ હોય તમામ સરોવરમાં નવા નિર આવ્યા છે. ત્યારે દુધાળાનું અમૃત સરોવર સોળે કળાએ ખીલી ઉઠયું છે. આ તળાવ પાસે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે.