વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યના વિકાસ હેતુ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. જે અંતર્ગત ધો. ૧ થી ૮ની ૩૦ હજારથી વધુ શાળાઓમાં બાળમેળા તથા જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૩જી ઓગસ્ટે ધો. ૬ થી ૮ ના બાળકો માટે રાજ્યની શાળાઓમાં જીવન કૌશલ્ય આધારીત બાળમેળાઓ યોજાશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.જીસીઇઆરટી(ય્ઝ્રઈઇ્‌) દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ થાય તે માટે દર વર્ષે ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે બાળમેળા તથા ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.૨૭ જુલાઈના શનિવારે ધો. ૧ થી ૫ ના બાળકો માટે બાળમેળો યોજાયો હતો. વર્ષ ૨૦૦૧થી શાળામાં બાળમેળો અને લાઇફસ્‍કીલ મેળાનું આયોજન કરવામાં આવે છે. બાળમેળાના અને લાઈફસ્કીલ મેળાનાં આયોજન માટે જીસીઈઆરટી દ્વારા શાળાદીઠ બાળકોની સંખ્યાના આધારે રૂ. ૮૦૦ થી ૨૦૦૦ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. બાળમેળા અને જીવન કૌશલ્ય આધારિત બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્ય વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.