ગુજરાત રાજયની પહેલી સહકારી સુપર માર્કેટ ‘ગુજકો માર્ટ’નો અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર શુભારંભ થયો છે. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન-ગુજકોમાસોલ દ્વારા આ સહકારી સુપર માર્કેટ-મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન-નેતૃત્વ કાળને ર૩ વર્ષ પૂર્ણ થવા પર રાજયભરમાં વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ‘સહકારી સુપર માર્કેટ’ રિટેલ ચેઈનનાં વિકાસની દિશા ખૂલી છે. સહકારી સંસ્થા ઈફકોનાં ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા આ સહકારી સુપર માર્કેટ-ગુજકો માર્ટને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ગુજકો માર્ટનાં લોકાર્પણ પ્રસંગે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે સહકારથી સમૃદ્ધિ સંકલ્પ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનાં
નેતૃત્વમાં મોડેલ બાયાલોજ અમલમાં લાવીને પૈકસને વધુ મજબૂત બનાવવા વિવિધ ક્ષેત્રમાં કામ કરવાની સત્તાઓ આપી છે જેનાં અનુસંધાને ગુજકોમાસોલ દ્વારા ગુજકો માર્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઓર્ગેનિક ધાન્ય, મીલેટને પ્રોત્સાહન તેમજ આત્મનિર્ભરતાનો રાહ ચીંધ્યો છે. આ માર્ગે આગળ વધીને ગુજકોમાસોલ રાજયના ખેડૂતોને મદદરૂપ થઈ શકે તે માટે ગુજકો માર્ટનો પ્રારંભ કરાયો છે. તેમણે વધુમાં કહ્યું કે અલગ અલગ ખેત ઉત્પાદન જે જિલ્લામાં થતું હોય તેનું મૂલ્યવર્ધન(વેલ્યૂ એડિશન) કરીને લોકો સમક્ષ મૂકવા માટે ગુજકોમાસોલ કાર્યરત છે. ગુજકો માર્ટના માધ્યમથી લોકોને ગુણવત્તાવાળી, શુદ્ધ, મૂલ્યવર્ધક અને કિંમતમાં પરવડે તેવી પ્રોડકટ આપવાનો પ્રયાસ કર્યો છે. નાનાં-મોટાં નગરો અને મહાનગરોમાં સારા લોકેશન પર ગુજકો માર્ટ સુપર માર્કેટ ખોલવાનું આગામી આયોજન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકનાં ચેરમેન અજય પટેલે કહ્યું કે, ઓર્ગેનિક ફાર્મ પ્રોડકટના માર્કેટિંગ અને સેલિંગ માટેનું એક કોમન પ્લેટફોર્મ ગુજકો માર્ટનાં માધ્યમથી ખેડૂતોને મળી ગયું છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી કૌશિકભાઈ પટેલ, ગુજકોમાસોલનાં ઉપાધ્યક્ષ બિપીન પટેલ(ગોતા), ગુજરાત રાજય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીન, ગુજકોમાસોલના પૂર્વ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ પરમાર તથા ગુજકોમાસોલનાં ડિરેકટરો સહિતનાં સહકાર ક્ષેત્રનાં મહાનુભાવો, ખેડૂતો અને લોકો ઉપસ્થીત રહ્યાં હતાં.