રાજુલા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં BSNL ટેલિફોન એક્સચેન્જમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે કુલ ૧૧,૫૯,૬૯૫ રૂપિયાનો
મુદ્દામાલ કબજે કર્યો છે. ૬ માર્ચ ૨૦૨૫ની રાત્રે રાજુલા BSNL કચેરીમાંથી સર્કિટ, BTS કાર્ડ અને કોપર વાયરની ચોરી થઈ હતી. અમરેલી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ PI એ.ડી. ચાવડાએ વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ સ્કવોડે ટેકનિકલ સોર્સ આધારિત માહિતી, નેત્રમ કમાન્ડ કંટ્રોલ અમરેલી અને ત્રિનેત્રમ ગાંધીનગરની મદદથી શરૂઆતમાં ત્રણ આરોપીઓને ઝડપ્યા હતા. તેમની પૂછપરછમાં વધુ ત્રણ આરોપીઓના નામ ખૂલ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જામનગરના અર્જુન રૂપેશ પરમાર, મેહુલ ઉર્ફે ઘુસો મુકેશ ચુડાસમા, ભરત ઉર્ફે પોચુ રાજેન્દ્ર મકવાણા, પંકેશ ઉર્ફે પંકજ મુકેશ ચુડાસમા, મુકેશ કાળા રાઠોડ અને એક સગીર વયનો છોકરો સામેલ છે. આરોપીઓએ રાજુલા, બાઢડા અને ચલાલા ખાતે ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરીમાં વપરાયેલા વાહનો, સર્કિટ, BTS કાર્ડ અને કોપર કેબલ જપ્ત કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે