કોડીનારની રાજનગર સોસાયટી-૦૧ અને ૦૨ના રહીશો દ્વારા રસ્તો ખુલ્લો કરાવવાની માંગણી છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવી રહી છે, છતાં કોઈ સ્પષ્ટ ઉકેલ ન મળતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ આ રસ્તા માટે ત્રણ-ત્રણ તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં રજૂઆતો કરી હોવા છતાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. આ મામલે ગત ૫ માર્ચ, ૨૦૨૫ના રોજ ગીર સોમનાથના કલેક્ટરને અરજી કરાઈ હતી. ત્યાર બાદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ યથાવત રહી છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૨૪ જૂન, ૨૩ જુલાઈ અને ૨૬ ઓગસ્ટના રોજ પણ રહીશોએ ફરીથી રજૂઆતો કરી. મેડિકલ ઇમરજન્સી, જીવનજરૂરી ચીજવસ્તુઓ અને બાળકોના અભ્યાસમાં અવરોધ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. તંત્ર માત્ર ખાનગી રસ્તો જ નહીં, પરંતુ ગોહિલની ખાણ ગામની સરકારી ગૌચરની જમીન (સર્વે નંબર-૩૧૧) પણ ખુલ્લી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. આ પરિસ્થિતિથી કંટાળીને રહીશોએ હવે ન્યાય મેળવવા માટે સીધા મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા જવાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી લોકોની માંગ છે.