સૌરાષ્ટ્રની અગ્રણી શહેર અને આર્થિક કેન્દ્ર રાજકોટના ગોંડલને જાડતા રાજકોટ-ગોંડલ હાઇવે પર થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે. રીબડા ઠાકરધણી હોટલ પાસે જ આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત માં વ્યકિતનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું છે. અજાણ્યા વાહનચાલકે બેફામ રીતે વાહન ચલાવીને રાહદારીને હડફેટે લેતા રાહદારીનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ બતાવે છે કે રાહદારીઓ માટે હવે રસ્તો ઓળંગવો પણ જાણે મોતને આમંત્રણ આપતી હોય તેવી ઘટના બની ગઈ છે.
અકસ્માતની આ ઘટના તે વાતનો પુરાવો છે કે વાહનચાલકો કેવા બેફામ છે. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ચાલક ફરાર થઈ જતાં પોલીસે તપાસ શરૂ કરી છે. વાહનચાલકની ટક્કરના કારણે રાહદારી રસ્તા પર ફંગોળાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાહદારીને ટક્કર મારી અકસ્માત સર્જનારા વાહન ચાલકની પોલીસે તપાસ શરૂ કરી છે. આ માટે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પોલીસ શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે જા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા તો તેઓ વાહનચાલકને શોધી કાઢશે. અકસ્માત થવાના પગલે તરત જ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. તાત્કાલિક સારવાર આપીને રાહદારીને બચાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. આ માટે ઘટનાસ્થળે ૧૦૮ને પણ બોલાવાઈ હતી, ૧૦૮ એમ્બ્યુલન્સે પણ રાહદારીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગંભીર ઇજાના કારણે તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
પોલીસે ઘટનાસ્થળે પંચનામુ કરીને રાહદારીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત પોલીસ રાહદારી પાસેની ચીજવસ્તુઓ પરતી તેની ઓળખ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે, જેથી તેનો મૃતદેહ તેના કુટુંબીજનોને સોંપી શકાય. રાજકોટ શહેર અને હાઇવે જાણે સૌરાષ્ટ્રનો અકસ્માત ઝોન બની ગયા છે. એક દિવસ માંડ એવો પસાર થાય છે જ્યારે ત્યાં અકસ્માત ન થાય.