રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગુરૂવારે રાત્રે ઈમરજન્સી ૧૦૮ માં એક દર્દીને બેભાન હાલતમાં લાવવામાં આવ્યા હતા. જે બાદ વૃદ્ધાને બેભાન હાલતમાં જ ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેઓની તપાસ હાથ ધરવામાં આવતા તેઓનાં હાથમાં સડો થઈ જવા પામ્યા હતો. જે બાદ ફરજ પર હાજર ડોક્ટરે વૃદ્ધાને સર્જરી વોર્ડમાં દાખલ કરવાનું કેસ પેપરમાં લખ્યું હતું. જે બાદ વૃદ્ધાને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સવારે હોસ્પિટલનાં હેલ્પ ડેસ્ક પર વૃદ્ધાની હાલત પૂછવા માટે ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે તપાસ કરતા માલુમ પડ્યું કે વૃદ્ધા વોર્ડમાં છે જ નહી. જે બાદ હોસ્પિટલનાં હેલ્પ ડેસ્કનાં સ્ટાફે વૃદ્ધાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે વૃદ્ધા સર્જરી વિભાગથી દૂર પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં મળી આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાથી સમગ્ર હોસ્પિટલમાં થોડા સમય માટે અફરા તફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આ સમગ્ર બાબતે આરએમઓ ડો. દુસરાને સમગ્ર ઘટનાની જાણ થતા આરએમઓ દ્વારા હોસ્પિટલનાં સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. જેમાં ડોક્ટર વૃદ્ધાને સ્ટ્રેચરમાં લઈ જતો નજરે પડે છે. આ સમગ્ર મામલે તબીબ અધિક્ષક તેમજ મેડીકલ કોલેજનાં ડીનને જાણ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે હોસ્પિટલનાં મીડીયા કોર્ડીનેટર હેતલ કિયાડાએ જણાવ્યું હતું કે, રાત્રે ૧૦.૩૦ વાગ્યે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ હેલ્પ ડેસ્કની ટીમનાં જે માણસો હોય છે. તેઓ દ્વારા સવાર, બપોર તેમજ સાંજે દર્દીઓની મુલાકાત લેવામાં આવે છે. ત્યારે હેલ્પ ડેસ્કનાં માણસો વૃદ્ધાની મુલાકાત લેવા ગયા ત્યારે તેઓ ત્યાં ન હતા. જે બાદ તેઓએ તપાસ હાથ ધરતા દર્દી જ્યાંથી મળી આવેલ ત્યાંથી તેઓને પરત સર્જરી રૂમમાં લાવ્યા હતા. તેમજ આ બાબતે તબીબ અધિક્ષક દ્વારા તપાસની ટીમ બનાવવામાં આવી છે. તેમજ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.