રાજકોટ સિટી બસ અકસ્માત મામલે ૪નાં મોત થયા હતા, જેમાં તપાસ આગળ ધપાવતાં ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીનાં સુપરવાઈઝર નિલેશ ચાવડાની ધરપકડ કરી છે. પૂછપરછમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.

રાજકોટમાં એક બેદરકાર સિટી બસના ડ્રાઇવરે અકસ્માત  સર્જ્‌યો હતો, ડ્રાઇવરે એક સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારતા ૪ નિર્દોષનાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બસ ડ્રાઇવર સહિત કુલ ૪ લોકો ઘાયલ થયા હતા. પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ હતી. પોલીસે બસનાં ડ્રાઈવર શિશુપાલ રાણાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, બાદમાં બસ એજન્સીના સુપરવાઈઝરની પૂછપરછ શરૂ કરી છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે જણાવ્યું હતું કે સિટી બસ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એજન્સી સાથે થયેલા કરાર અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. એજન્સી પર દંડ લાદવા માટે મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. તપાસ બાદ, એજન્સી અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. જમા કરાયેલ રકમ જપ્ત કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની પીએમઆઇ એજન્સી સાથે છે અને તેના સંચાલન માટે વિશ્વમ અને નારાયણ નામની બે એજન્સીઓ છે. ત્યારે રાજકોટમાં ૪ નિર્દોષ લોકોના મોત મામલે પોલીસ વિશ્વમ એજન્સી સુધી પહોંચી હોવાનું જાણવા મળેલ છે. બસ ડેપોથી નીકળતી બસોના ચેકીંગની જવાબદારી નિલેશ ચાવડાની હતી. બસ ચેકિંગ અને ડ્રાઈવર લાઇસન્સ ચેકિંગની જવાબદારી પણ સુપરવાઈઝરની હોવાથી સઘન પૂછપરછ શરૂ કરી છે. ચાવડાએ ડ્રાઈવરનું લાઇસન્સ ચેકિંગ કર્યા વગર બસ આપી હોવાનું ખુલ્યું છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા નિલેશ ચાવડાની વધુ પૂછપરછ શરુ કરતા ખુલાસાઓ થવાની શક્યતા જણાઈ રહી છે.

રાજકોટ શહેર ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે પોલીસે એફએસએલ અને આરટીઓ અધિકારીઓની હાજરીમાં બસનો મિકેનિકલ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે બસના મિકેનિકલ રીતે સંપૂર્ણપણે ફિટ છે, એટલે કે તેમાં કોઈ ખામી નથી, જ્યારે બસ ડ્રાઇવરનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી ૨૦૨૫ માં પૂરૂં થઈ ગયું હતું. લોકોએ ફરિયાદ કરી હતી કે બસ ડ્રાઇવર નશામાં હતો, તેથી તેના લોહીના નમૂના લઈને કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે નશામાં ન હોવાનું જાણવા મળ્યું હતું.