સ્વ.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ થતાં મોત નિપજ્યું છે. બે દિવસથી તેમનો ડીએનએ મેચ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમના પત્ની અંજલિ રૂપાણી લંડનથી ગઈકાલે સવારે અમદાવાદ પરત ફર્યા હતા. આજે વહેલી સવારે તેમનો પુત્ર રૂષભ રૂપાણી પરિવાર સાથે અમેરિકાથી ગાંધીનગર આવ્યો છે. ડીએનએ મેચ થતાં વિજય રૂપાણીનો મૃતદેહ પરિવારને સોંપાશે.

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનાં અંતિમ દર્શન કાર્યક્રમનું આયોજન રાજકોટ રેસકોર્સ ખાતે કરવામાં આવશે. સવારથી ભાજપનાં નેતા, કાર્યકરો તેમના પરિવારને સાંત્વના પાઠવવા તેમના નિવાસસ્થાન ગાંધીનગર અને રાજકોટ ખાતે આવી રહ્યાં હોવાની જાણકારી મળી છે. હાલ ખુરશીઓ અને જર્મન ડોમ ઊભો કરી કવિ રમેશ પારેખ રંગમંચમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવશે.

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. શહેરના અનેક માર્ગો પર શ્રદ્ધાંજલિ પાઠવતા બેનર લાગ્યા છે, કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં બેનરો લગાવાયા છે. શહેરના રાજમાર્ગો પર પણ શ્રદ્ધાંજલિ બેનરો લાગ્યા છે.જયારે આજે રાજકોટમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી લગભગ ૬૦૦ શાળાઓએ બંધ પાળી રૂપાણીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી

વિજય રૂપાણીનાં પરિવારને સાંત્વના આપવા પુરૂષોત્તમ રૂપાલા ગાંધીનગર પહોંચ્યા છે. ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર પહોંચ્યા છે. તેમજ રૂપાણીના સગા-સંબંધીઓ રૂપાણીનાં ગાંધીનગર નિવાસસ્થાને પહોંચી રહ્યાં છે.

સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ શરીરને રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે. રાજકોટમાં અંતિમ સંસ્કાર બાદ, સૌરાષ્ટ્રભરના પ્રખ્યાત અને અજાણ્યા લોકો નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટી ખાતે તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવશે. અંતિમ સંસ્કાર માટે વિજય રૂપાણીના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.