વડીયાના લોકો રોજગારી અને ખરીદી માટે રાજકોટ, ગોંડલ પર આધાર રાખે છે. આ ખેતી આધારિત વિસ્તાર હોવાથી ખેડૂતો પોતાની પેદાશો વેચવા માટે પણ ગોંડલ યાર્ડમાં જાય છે. આ ગામ છેવાડાનું હોવાથી અહીં ખાનગી વાહનોમાં મુસાફરીનું પ્રમાણ નહિવત્ જોવા મળે છે. સામાન્ય માણસો એસ.ટી. બસમાં જ મુસાફરી કરતા જોવા મળે છે. છેલ્લા દિવાળીના દસ દિવસથી વડીયાથી રાજકોટ, ગોંડલ જવાની બસો અનિયમિત બનતા લોકોને તહેવારના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટથી વડીયા વચ્ચે બસો રદ્દ થવાને કારણે મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, તો ક્યારેક રાજકોટ અથવા વડીયા ખાતે રાત્રિ રોકાણ કરવાની ફરજ પણ પડે છે. ૨૭ ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યા બાદ રાજકોટથી વડીયા તરફ જવાની એક પણ એસ.ટી. બસ રવાના ન થતાં મુસાફરોને ભારે તકલીફ પડી હતી. આ પરિસ્થિતિમાં હવે રાજકોટથી વડીયા આવવા ઈચ્છતા લોકો માટે માત્ર રાત્રે ૯ઃ૪૫ની બસ જ એકમાત્ર વિકલ્પ રહી ગયો છે. આથી વડીયા બસ સ્ટેન્ડમાં આવતી તમામ રૂટની બસો નિયમિત બને તેવી લોકો માગણી કરી રહ્યા છે.