રાજકોટ મહાનગરપાલિકાનો વધુ એક ગોટાળો બહાર આવ્યો છે. મનપાનાં કેલેન્ડરમાં ટેન્ડર વગર જ કરોડોનો ઓર્ડર આપ્યો હોવાનું સામે આવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. બે દિવસમાં કેલેન્ડર કૌભાંડની તપાસની ખાતરી મેયર નયનાબેનએ આપી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર વગર રૂપિયા ૧.૭૫ કરોડના ખર્ચે ૧.૬૦ લાખ કેલેન્ડર છાપ્યા હતા. નિયમ મુજબ ૧૦ લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે ત્યારે કરોડોનો ઓર્ડર આપી દેવાતા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે સ્ટેશનરીના બજેટમાં ૧૯૦ લાખનો વધારો કરવામાં આવ્યો હતો. ગત વર્ષના સ્ટેશનરીના બજેટમાંથી ૧૩ લાખ ખર્ચાયા ન હતા.
તેમ છતાં ચાલુ વર્ષે સ્ટેશનરીના બજેટમાં ૩૩૦ લાખ ફાળવતા આખરે કોને બજેટનો ફાયદો કરાવવામાં આવી રહ્યો છે તે અંગે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. ગત બજેટમાં પ્રિન્ટીંગ અને સ્ટેશનરીનું બજેટ રૂપિયા ૧૪૦ લાખ હતું. જ્યારે ૧૪૦ લાખમાંથી ૧૩ લાખ ખર્ચાયા ન હતા. પાંચ મહિના બાદ પણ કૌભાંડ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આંકડાઓ જોતા જણાઈ રહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ દેખાઈ આવ્યો છે. રાજકોટ કોર્પોરેશને નિયમો નેવે મૂક્યા હોવાનું દેખાતા ભ્રષ્ટાચારને વધુ વેગ આપ્યો હોવાનું મનપાના અધિકારીઓ, કર્મચારીઓ માની રહ્યાં છે.