રાજકોટ-દીવ રૂટની એકસપ્રેસ બસ રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડથી બપોરે ૧૧ઃ૪પ વાગે ઉપડે છે. પરંતુ એસ.ટી.નાં નિયત સમય કરતાં એક કલાક મોડી ઉપાડતા તેમાં સંખ્યાબંધ મુસાફરો કોડીનારથી તેમના ગ્રામ્ય વિસ્તારમાં જતી બીજી અન્ય બસોનાં કનેકશન ચૂકી જતાં કોડીનાર બસ સ્ટેશનમાં રઝળી પડયા હતાં. રાજકોટ એસ.ટી. ડિવિઝનનાં અણઘડ વહીવટને કારણે છેલ્લા કેટલાય સમયથી આ એસ.ટી. બસ રાજકોટથી દરરોજ એક કલાક મોડી ઉપડે છે. દરરોજ એક કલાક બસ મોડી ઉપાડવાના કારણે તેના નિયત સ્થળે પહોંચવામાં એક કલાક જેવું મોડું થાય છે. જેનાં કારણે બસમાં મુસાફરી કરતાં લોકો ગામડે જવાની બસ ચૂકી જતાં હોય છે. જે બનાવ વારંવાર બનતા હોવાથી આ અંગે રાજકોટ એસ.ટી. ડિવિઝનનાં ડેપો મેનેજર ચગને રજૂઆત કરતાં તેઓએ જણાવેલ કે રાજકોટથી દીવ રૂટની આ એક જ બસ છે. જેની સાફ-સફાઈ થયા પછી સ્ટેન્ડ પર મુકાતી હોવાથી મોડું થાય છે. લોકો આ બાબતે રોષે ભરાયા હતા અને તાત્કાલિક ઘટતું કરવા માંગણી કરી હતી.