રાજકોટ જામનગર હાઇવે ફરી એક વખત રક્ત રંજીત બન્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે. રાત્રિના સમયે બનેલી અકસ્માતની ઘટના એટલી ગંભીર હતી કે તેમાં ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી જતા કારનો આગળના ભાગથી ભુક્કો થઈ ગયો હતો, જેમાં ૨૫ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં કારે બાઈકને અડફેટે લેતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
રાજકોટના કાલાવડ રોડ પર
આભાર – નિહારીકા રવિયા આવેલા નોકઆઉટ ગેમઝોનના સંચાલક પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.૨૫) ગઈકાલે રાત્રિના પડધરીના તરઘડી પાસેથી રાજકોટ તરફ આવતા હતા. દરમિયાન માર્ગ અકસ્માતમાં તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પુષ્પરાજસિંહ જાડેજા પોતાની ફોર્ચ્યુનર કાર લઈ આવતા હતા દરમિયાન ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસ સ્ટાફ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પડધરી હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પુષ્પરાજસિંહ જાડેજા રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ નોકઆઉટ ગેમઝોનના સંચાલક છે. મોડીરાત્રિના પોતાની જીજે.૨૨.પી.૭૭ નંબરની સફેદ કલરની ફોર્ચ્યુનર લઈને જતા દરમિયાન જામનગર રોડ પર ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટ્રકના ચાલકે ટ્રક ઊભો ન રાખતા ટ્રકની સાથે કાર ઢસડાઇ હોવાનું સામે આવ્યું છે.
બીજા બનાવમાં પડધરી તાલુકાના ખામટા ગામે રહેતાં દિનેશભાઈ ડોબરિયા ખામટા ગામેથી બાઈક લઈ પડધરી જતા હતા. ત્યારે દેવાળિયા ગામના પાટીયા પાસે પહોંચતા સમયે સામેથી રોંગ સાઈડમાં આવતી કાર નંબર જીજે.૦૩.બીએ.૭૯૦૩ના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક દિનેશભાઈ ફંગોળાયા હતા. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવસ્થળે એકઠા થયેલા લોકોએ ૧૦૮ને જાણ કરી ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવારમાં પડધરી હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મુતકના પુત્ર દિવ્યેશભાઈની ફરિયાદ પરથી કારચાલક જયકિશોર ધારેયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.