રાજકોટ ગ્રામ્ય SOGએ જસદણ નજીકથી સસ્તા અનાજના ચોખાનો મોટો જથ્થો ઝડપી પાડ્‌યો છે. પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના મુજબ, ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ કરતા શખ્સો સામે કાર્યવાહી ચાલી રહી છે. આ અનુસંધાને, SOG ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ, સબ-ઇન્સ્પેક્ટર કે.એમ. ચાવડા અને સ્ટાફ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, ખાનગી બાતમી મળી કે, GJ-૧૨-BW-૯૪૩૨ નંબરનો એક ટાટા ટ્રક આટકોટથી બાવળા તરફ શંકાસ્પદ અનાજનો જથ્થો ભરીને જવાનો છે. આ માહિતીના આધારે, જસદણના ગઢડીયા ચોકડી પાસે વોચ ગોઠવીને ટ્રકને રોકવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાઇવર અવધકિશોર વિશ્વનાથ રાય પાસેથી ૩૦૦ બોરી (લગભગ ૨૭.૩૦૫ ટન) ચોખાનો જથ્થો મળી આવ્યો, જેના માટે કોઈ બિલ કે આધાર નહોતા. પોલીસે ટ્રક અને ચોખાનો જથ્થો જપ્ત કરી જસદણ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મયુર મોરી નામના શખ્સની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે, જે ચોખાનો જથ્થો બાવળા મોકલવાનો હતો.