રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત ૨૭ના મોત નીપજ્યા હતા. હવે તેમા બલિનો બકરો મુખ્યત્વે મનસુખ સાગઠિયા બને તેવી સંભાવના છે. હાલમાં તો તે આ કેસનો મુખ્ય આરોપી છે. તે ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) છે. મનસુખ સાગઠિયા અંગે મોટો પર્દાફાશ થયો છે. તેણે એસીબીની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે લાંચ લીધી હતી.
અગાઉ મીડિયા જે વાત કહેતું હતુ તે વાત હવે સાચી પડી છે. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડની આગમાં માસૂમ બાળકો સહિત ૨૭ લોકોના મોત નીપજ્યા હતાં. આ મોત પાછળ જવાબદારો પૈકી સૌથી મુખ્ય આરોપી રાજકોટના પૂર્વ ટીપીઓ એટલેકે, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસ અને એસીબીની પૂછપરછ દરમિયાન સાગઠિયાએ કબૂલાત કરી છેકે, તેણે લાંચ લીધી હતી.
આરોપી સાગઠિયાએ આ મામલામાં પોતે લાંચ લીધી હોવાની કબૂલાત તો કરી છે પરંતુ એક વિચિત્ર વાત પણ સામે આવી છે. હાલ એસીબીની પૂછપરછમાં પોલીસ સમક્ષ સાગઠિયાએ એ વાત કબૂલી લીધી છેકે, તેણે ગેમ ઝોન ખોટી જગ્યાં બનેલું હોવાથી તેનું ડિમોલિશન ન કરવા માટે લાંચ લીધી હતી. પણ સાગઠિયાને લાંચ કોણે આપી અને લાંચમાં કેટલી રકમ લેવાઈ હતી એ વાત સામે આવી નથી. સાગઠિયા કહે છેકે, લાંચની રકમ કેટલી હતી અને લાંચ કોણે આપી હતી તે ભૂલાઈ ગયું છે. આટલું કહીને સાગઠિયા પોલીસ સમક્ષ આ મુદ્દે મૌન સેવી રહ્યાં છે.
એસીબી સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ કબૂલ્યું છે કે તેણે લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડયું ન હતું તેમ એસીબીના એક અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું. સાથો-સાથ એમ પણ કહ્યું કે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લીધું છે.