રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી એરપોર્ટ, સ્કૂલ અને યુનિવર્સિટીઓમાં ઈમેલ દ્વારા ધમકીઓ મળી રહી છે. ત્યારે પાટણ અને રાજકોટમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બન્ને કલેક્ટર કચેરીઓના ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. સરકારી ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે.
રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે. સમગ્ર મામલે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે (૧૦મી એપ્રિલ) વડોદરાની જીઆઈપીસીએલ કંપનીને એક ધમકી ભર્યો મેઈલ મળ્યો જેમા કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઈલ મળતા કંપનીના અધિકારીઓએ પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા તાત્કાલીક તપાસ કરવામાં આવી હતી. આ મેઈલનું કનેક્શન શોધવા સાયબર સેલની પણ મદદ લેવામાં આવી છે. જા કે, ચેકિંગ કર્યા બાદ કંઈ શંકાસ્પદ હાથ ન લાગતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.