કેન્દ્ર સરકારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું જ છે અને આવું નામ રાખવાથી સૌરાષ્ટ્રના લોકોને અહીંથી સીધા યુકે,યુએસએ દુબઈ વગેરે સ્થળે જવાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મળી જવાની નથી તેવો રહસ્યસ્ફોટ ભાજપના નેતાએ રાજકોટમાં કર્યો છે. કેન્દ્રીય બજેટની પ્રશંસા કરવા અત્રે આવેલા સાંસદ અને ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું કે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત કરવાથી વિદેશોની ફ્લાઈટ મળી જ જાય તે જરૂરી નથી.
આ ઉપરાંત ભાજપ નેતાએ પોતાની આ વાતને સ્પષ્ટ કરતા કહ્યું કે ‘બિહારના પટનામાં જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે, નામ ઈન્ટરનેશનલ છે પરંતુ, ૧૭ વર્ષથી ત્યાં વિદેશની કોઈ ફ્લાઈટ આવ-જા કરી નથી. ફ્લાઈટ શરૂ કરવી તે માંગ અને પૂરવઠા ઉપર આધારિત હોય છે.’ તેમ કહીને તેમણે ઉમેર્યું કે ‘ભારતમાં ૧૯૮૦ પછી ૧૪ વિમાની કંપનીઓ આવી છે તેમાંથી માત્ર ૪ ચાલે છે. જે તે સમયે રાજકોટને પણ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઘોષણા કરી હોય પણ તે ઘોષણા માત્રથી આવી ફ્લાઈટ શરૂ થતી નથી.’
ઉલ્લેખનીય છે કે જૂલાઈ- ૨૦૨૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટથી ૩૦ કિ.મી.દૂર અમદાવાદ હાઈવે પર હીરાસર પાસે રૂ ૧૪૦૫ કરોડના જંગી ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરાયું હતું. આ વખતે સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખુલશે અને સૌરાષ્ટ્રને સુવિધામાં એક માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની કમી હતી તે દૂર થશે તેવી વાતો થઈ હતી. સપ્ટેમ્બર-૨૦૨૩થી રાજકોટનું જુનુ રેસકોર્સ એરપોર્ટ બંધ કરીને ઉપરોક્ત નવા એરપોર્ટ પરથી વિમાનોની આવ-જા શરૂ થઈ છે પરંતુ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ક્યારે શરૂ થશે તે નક્કી નથી જે સામે લોકો વારંવાર ફરિયાદો કરતા રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય વિમાની સેવા તો નથી મળી, આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરની સુવિધા પણ આ એરપોર્ટમાં નથી. ટર્મિનલનું કામ હજુ પૂરૂં થયાનું જાહેર કરાયું નથી. એટલું જ નહીં, માત્ર ૧૦ મહિનામાં પહેલા જ વરસાદે આ એરપોર્ટની કેનોપી ધસી પડી હતી અને તે પહેલા ત્યાં બાથરૂમમાં પાણી નહીં આવવા સહિતની ફરિયાદો ઉઠી હતી. આ એરપોર્ટનું લોકાર્પણ થયું તે જ દિવસે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે તેનું નામ ‘રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ‘જાહેર કર્યું છે અને ત્યાં ડોમેસ્ટીક ફ્લાઈટ્‌સમાં પણ ખાસ વધારો થયો નથી.