રાજકોટના આગકાંડે સૌને હચમચાવી મૂક્યાં છે.
શનિવારે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં ૩૦ લોકો ભડથું થઈ ગયાં એ ઘટના ખળભળાવી મૂકનારી છે. વેકેશનની મોસમ હોવાથી મોટા પ્રમાણમાં બાળકોને લઈને માતા-પિતા ટીઆરપી મોલના ગેમઝોનમાં ગયેલાં ને ત્યારે જ અચાનક લાગેલી આગમાં માતા-પિતા ને બાળકો ફસાઈ ગયાં.
આ ગેમઝોનમાં ૩૦-૪૦નો સ્ટાફ હતો પણ આગ લાગતાં જ આખો સ્ટાફ નાનાં બાળકોને રામભરોસે છોડીને ફરાર થઈ ગયો હતો તેથી લોકોને ગાઈડ કરવા કે બચાવવા કોઈ હાજર જ નહોતું. માત્ર ૧૦ મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેનારી આગે આખા ગેમઝોનને એવો લપેટમાં લીધેલો કે, ગેમઝોનમાં હાજર લોકોને બહાર નીકળીને ભાગવાનો મોકો પણ ના મળ્યો.
એકદમ નાની ને સાંકડી જગામાં બનાવાયેલા ગેમઝોનમાંથી બહાર નીકળવું શક્ય નહોતું તેથી દોડધામ મચી ગઈ. નાનાં બાળકોની ચીસાચીસ વચ્ચે મા-બાપે બાળકોને બહાર કાઢવા ફાંફાં માર્યાં પણ વધતા જતા ધુમાડાના કારણે મોટા ભાગનાં લોકો તો બેભાન થઈ ગયાં ને ધુમાડાના કારણે ગૂંગળાઈને મરી ગયા. ફાયર ફાઈટર્સ ગેમઝોનની અંદર પહોંચ્યા ત્યારે અંદર લાશો જ લાશો દેખાતી હતી. આખો ગેમઝોન સ્મશાનમાં ફેરવાઈ ગયો હોય એવું લાગતું હતું. ભીષણ આગમાં ભડથું થઈ ગયેલા મૃતદેહો એ હદે બળી ગયા હતા કે, માતા-પિતા પણ પોતાના બાળકોની લાશોને ઓળખી ના શક્યા. ડીએનએ ટેસ્ટ પછી જ મૃતદેહોની ઓળખ થઈ શકી છે.
આ આગકાંડે આપણા લાંચિયા ને ભ્રષ્ટ તંત્રની પોલ પણ ખોલી દીધી છે. રાજકોટનો ગેમઝોન ફાયર એનઓસી વિના ચાલતો હતો. આ ગેમઝોન ફાયર એનઓસી વિના કઈ રીતે ચાલુ થઈ ગયો એ વિશે તો અધિકારીઓ જ સ્પષ્ટતા કરી શકે પણ લોકોને તેનો જવાબ ખબર છે. ફાયર એનઓસી નહીં હોવા છતાં અત્યાર સુધી કોઈએ તેની તપાસ કરવાની તસદી સુધ્ધાં કેમ નહોતી લીધી તે પણ લોકોને ખબર છે જ.
આગકાંડના પગલે સફાળા જાગેલા તંત્રે આખા રાજ્યમાં ગેમઝોન બંધ કરવાનું ફરમાન કરી દીધું છે. આ સિવાય ગેમઝોનમાં ક્યાં ક્યાં ફાયર એનઓસી નથી તેની તપાસ પણ શરૂ કરી દેવાઈ છે. સરકારી રાહે એલાન કરાયું છે કે, ફાયર સેફ્‌ટી સહિતના મુદ્દે તમામ ગેમઝોનની તપાસ થશે ત્યાર બાદ જ કોઈ પણ ગેમઝોન ચાલુ કરવાનો નિર્ણય લેવાશે.
સરકારે આ જાહેરાત તો કરી દીધી પણ ફાયર એનઓસી વિના ગેમઝોન ચાલુ થઈ ગયો તેના માટે જવાબદાર અધિકારીઓનું શું થશે એ વિશે ચૂપકીદી સાધી છે.

રાજકોટની જેમ જ સુરતમાં પાંચ વર્ષ પહેલાં તક્ષશિલા કાંડ થયેલો.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ચાલતા ક્લાસમાં બપોરે લગભગ ૪ વાગ્યાના સુમારે લાગેલી આગમાં ૧૮ વિદ્યાર્થીનાં મોત નિપજ્યા હતા. આગ લાગી ત્યારે ૩૫ જેટલા વિદ્યાર્થી ક્લાસમાં બેઠા હતા. અચાનક આગ ફાટી નીકળતા ફસાયેલા વિદ્યાર્થીઓએ દોડાદોડ કરી મૂકી હતી. બચવાનો કોઈ રસ્તો ના દેખાતાં બાર વિદ્યાર્થીઓએ ઉપરના માળેથી નીચે પડતું મૂક્યું હતું. તેમાથી ૮ વિદ્યાર્થી બચી ગયા જ્યારે ચારના મોત નિપજ્યા હતા. આ સિવાય બીજા ૧૪ વિદ્યાર્થી પણ મોતને ભેટ્યા હતા ને કુલ ૧૮ વિદ્યાર્થીનાં મોત થયા હતા.
વિજય રૂપાણી ત્યારે ગુજરાતના મુખ્યમત્રી હતા. વિજય રૂપાણીએ આગની ઘટનાની તપાસ માટે તત્કાલિન શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરીને સૂચના આપી હતી. આગ લાગવાની ઘટનાનાં કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, બિલ્ડીંગની જરૂરી -મંજૂરીઓ સહિતની બાબતોની સંપૂર્ણ તપાસ સ્થળ પર જઇને કરીને અહેવાલ આપવા રૂપાણીએ આદેશ આપેલો. આ ઉપરાંત આખા રાજ્યમાં ફાયર સેફ્‌ટીની ઝુંબેશ પણ શરૂ કરાઈ હતી.
રાજ્યમાં તમામ ટયુશન ક્લાસીસ, લાયબ્રેરી, હોસ્ટેલ વગેરેમાં ચેકિંગના આદેશ છૂટયા હતા. રાજ્ય સરકારે આ પ્રકારની ઘટનાઓને ટાળવા માટે જીડીસીઆરમાં સુધારા કરવા માટે કમિટીની રચના પણ કરી હતી. રાજ્ય સરકારે ફાયર સેફ્‌ટીના મુદ્દે બનાવેલી કમિટી સુરત દુર્ઘટનાનો અભ્યાસ કરવા સ્થળ તપાસ કરશે એવું કહેવાયેલું. ફાયર સેફ્‌ટી વધુ સુદૃઢ બનાવવા માટે શું સુધારા કરી શકાય તે અંગેની ભલામણો કરશે એવું પણ કહેવાયેલું.
જો કે અત્યારે પાંચ વર્ષ પછી રાજકોટ ગેમઝોનમાં આ જ રીતે આગ લાગી અને ૩૦ બાળકો મોતને ભેટ્યા તેના પરથી સ્પષ્ટ છે કે, ફાયર સેફ્‌ટીની એ ઝુંબેશ પછી પણ રાજ્યમાં કશું બદલાયું નથી.

રાજકોટ કાંડ પછી રાજ્ય સરકારે અધિકારીઓની એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા નક્કી કરતો કાયદો બનાવવો જોઈએ. સાથે સાથે ફાયર સેફ્‌ટી ચેકિંગ માટેનું તંત્ર પણ ઉભુ કરવું જોઈએ.
ગુજરાતમાં ફાયર સેફિ્‌ટના ચેકિંગની જવાબદારી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના માથે છે પણ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ પાસે પૂરતો સ્ટાફ નથી. સુરતની ઘટના પછી રાજ્ય સરકારે સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસને સમગ્ર રાજ્યમાં ચેકિંગ કરવા કહ્યું ત્યારે જ તેમણે આ વાત સ્પષ્ટ કરી દીધી હતી. રાજ્યના સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના તાબામાં પાંચ પ્રાદેશિક કચેરીઓ છે. આ કચેરીઓનો વિસ્તાર ખૂબ જ મોટો છે જ્યારે સ્ટાફ બહુ ઓછો છે તેથી ચેકિંગ થતું નથી.
આ સ્થિતિ બદલવા માટે પૂરતો સ્ટાફ આપવો જોઈએ.
આ સિવાય ગવર્નમેન્ટ સર્વિસીસ એકાઉન્ટેબિલિટી એક્ટ બનાવવા જોઈએ. આપણે ત્યાં સરકારી તંત્રમાં ખાઈ બદેલા ને ભ્રષ્ટ અધિકારીઓ જામેલા છે. તેમણે વહીવટની તો ‘બોન પૈણીને મૂકી દીધી છે’ પણ સંવેદનશીલતા પણ ગુમાવી દીધી છે. પૈસા કમાવવાની લાલચમાં એ લોકો પ્રજાના જીવ જોખમમાં મૂકાય તેની પણ પરવા કરતા નથી. પૈસા મળતા હોય તો લોકોના જીવ જતા હોય તો જાય, તેમને કોઈ ફરક પડતો નથી. રાજકોટનો અગ્નિકાંડ આ માનસિકતાનું જ પરિણામ છે. અધિકારીઓએ ગેમઝોનમાં ફાયર સેફ્‌ટીની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તેની તપાસ કરી હોત તો આ ગેમઝોન ચાલુ જ ના થયો હોત ને લોકોના જીવ બચી ગયા હોત.
અધિકારીઓએ ફરજ ના બજાવી તેની કિંમત માસૂમ બાળકોએ અને તેમનાં માતા-પિતાએ ચૂકવી.
આ સ્થિતિ ફરી પેદા ના થાય ને ફરી નિર્દોષોના જીવ ના જાય એટલા માટે ગુજરાત સરકારે એક કાયદો બનાવવો જોઈએ અને સરકારી તંત્રમાં બેઠેલા લોકોની એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા નક્કી કરવી જોઈએ. આપણે ત્યાં સરકારી નોકરી કરનારા લોકોએ શું કામ કરવાનું એ નક્કી હોય છે પણ એ નોકરિયાત એ કામ ના કરે તો શું એ નક્કી નથી. તેના કારણે એ લોકો રીતસરની લાલિયાવાડી ચલાવે છે. જેની જવાબદારી ફાયર સેફ્‌ટીની વ્યવસ્થા છે કે નહીં એ જોવાની છે એ અધિકારી પોતાની ફરજ યોગ્ય રીતે ના બજાવે તો પણ તેને કશું થતું નથી. કોઈ તેનું કશું તોડી શકતું જ નથી.
આ તો એક નાનકડું ઉદાહરણ આપ્યું પણ આ સ્થિતિ બધા સ્તરે છે. કર્મચારી હોય કે અધિકારી, એ કંઈ ના કરે તો પણ તેનું કોઈ કશું બગાડી શકતું નથી. આ સ્થિતિ બદલવા માટે ગુજરાતની ભાજપ સરકારે દરેક સરકારી કર્મચારીની જવાબદેહિતા નક્કી કરવી જોઈએ. જે રીતે ખાનગી ક્ષેત્રમાં કર્મચારીએ પરફોર્મ કરવું પડે છે એ રીતે સરકારી ક્ષેત્રમાં પણ કર્મચારી કે અધિકારીએ પરફોર્મ કરવું જ પડે એવું હોવું જોઈએ. એવું નહીં થાય ત્યાં લગી સુરતના તક્ષશિલા કાંડ કે રાજકોટના ટીઆરપી ગેમઝોન જેવા અગ્નિકાંડ થતા રહેશે, નિર્દોષ લોકો મરતા રહેશે.
આ પ્રકારના કાંડ થશે ત્યારે સરકારમાં બેઠેલા સંવેદના વ્યક્ત કરશે, દુઃખ બતાવશે, સહાનુભૂતિ વ્યક્ત કરશે ને બે-ચાર આંસુ સારશે. સરકારી ફંડમાંથી ચાર-પાંચ લાખ રૂપિયા મૃતકોના પરિવારોને આપી દેશે ને ઘાયલોની સારવાર કરાવી દેશે.
આ બધું કરવું જોઈએ પણ અસલી જરૂર ફરી આવી ઘટના ના બને એ જોવાની છે, આ ઘટના માટે દોષિતોને સજા કરાવવા માટે કાયદો બનાવવાની જરૂર છે કેમ કે તેના વિના નિંભર ને લાંચિયા અધિકારીઓ પોતાનું કામ નહીં કરે.