શહેરમાં ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીની રાતે શકિત સિલ્વરના વેપારીના ઘરે ચોરી થઈ હતી. જેમાં ૧૩૦થી ૧૪૦ કિલોના ચાંદીના દાગીના ચોરાયા હતા. આ અંગેનો ગુનો રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમબ્રાંચની ચાર ટીમો કામે લાગી હતી. જેમાં અમદાવાદથી પ્રદીપ પ્રજાપતિ નામના વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ચોરીનો મુખ્ય આરોપી મુકેશ રામારામ પ્રજાપતિ હજી ફરાર છે.
આ ચકચારી ચોરી અંગે ક્રાઈમ બ્રાંચના એસપી, ભરત પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે, અમને માહિતી મળી હતી કે રાજકોટમાં જે ચોરી થઈ છે તેનો એક જથ્થો અમદાવાદમાં આવ્યો છે. શહેરના ગીતા મંદિર પાસે આવેલી એક મોબાઇલ રિપેરિંગની દુકાનમાં કામ કરતા પ્રદીપ પ્રજાપતિ પાસે તે ચાંદીનો જથ્થો છે. આ અંગે માહિતીના આધારે પ્રદીપની પૂછપરછ કરાતા ૪૦ કિલો મુદ્દામાલ અમને મળ્યો છે. આનો મુખ્ય સૂત્રધાર મુકેશ રામારામ પ્રજાપતિ છે. મુકેશ પ્રદીપના મામાનો દીકરો છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, મુકેશ પ્રજાપતિ તરસાલી વડોદરામાં રહે છે. બાકીનો મુદ્દામાલ ક્યાં છે તે અંગેની માહિતી મુકેશ પાસે જ છે. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. મુકેશની આ પહેલા ઇશનપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં ધરપકડ થઈ હતી. પ્રદીપ અને મુકેશ પ્રજાપતિ મૂળ સિરોહી રાજસ્થાનના છે. જે હાલ નરોડા નગર ખાતે રહે છે. અન્ય બેથી ત્રણ લોકો આની સાથે સંડોવાયેલા છે.
ક્રાઇમ બ્રાંચે જણાવ્યુ હતુ કે, મુકેશ પહેલા ડ્રાઇવિંગનું કામ કરતો હતો જેમાં તેને એક ટિપ મળી હતી કે, શકિત સિલ્વરમાં ચાંદી દાગીનાનો મોટો જથ્થો ક્યારેક તેમના ઘરે પણ લઈ જવામાં આવતો હોય છે. જેના આધારે આ ગુનાને અંજામ આપ્યો હતો.
એસપીએ વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, આ અંગે હાલ વધુ તપાસ થઈ રહી છે. રાજકોટ શહેર પોલીસને ઝડપાયેલ આરોપી પ્રદીપ પ્રજાપતિ અને મળેલો મુદ્દામાલ સોંપવામાં આવશે. મુખ્ય આરોપી મુકેશ સાથે બેથી ત્રણ લોકો સંડોવાયેલા છે. આ લોકો ચોરી કરીને મુદ્દામાલ અમદાવાદ લાવ્યા હતા. જેમાંથી ૪૦ કિલો પ્રદીપને થોડા સમય માટે રાખવામાં આવ્યો હતો. જ્યારે અન્ય મુદ્દામાલ પણ અમદાવાદમાં જ રાખવામાં આવ્યો હતો. મુકેશ હાલ ફરાર છે એટલે આ મુદ્દામાલ ક્યાં છે તે અંગેની તપાસ ચાલી રહી છે. મુકેશ અને પ્રદીપ મામાનો દીકરો છે. પ્રદીપ રાજકોટ ગયો ન હોવાનું જણાઈ આવે છે.