રાજ્યમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે રાજકોટની એક શાળામાં કોરોનાનો સૌથી મોટો વિસ્ફોટ જાવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં વધુ ૧૧ વિદ્યાર્થી  અને બે શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગ અને તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે રાજકોટ જિલ્લાની અમરનગરની શાળામાં ૭ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જેના કારણે શાળાને બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજકોટ શહેરમાં વધુ ૪ વિદ્યાર્થી સંક્રમિત થયા છે. અન્ય એક કેસમાં તાંઝાનિયાથી આવેલી યુવતી કોરોના સંક્રમિત બની છે, ત્યારે તે ઓમિક્રોન સંક્રમિત છે કે નહીં તે જાણવા જીનોમ સિકવન્સિગ માટે મોકલાયા છે.

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં કુલ ૯૧ એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં ૬૫ અને જિલ્લામાં ૨૬ એક્ટિવ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ઓમિક્રોનના ૨ એક્ટિવ કેસ નોંધાયા છે. આ બંને દર્દી સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે. ડોમેસ્ટીક તેમજ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરી પરત આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધુ જાવા મળી રહ્યું છે અને સામાન્ય લક્ષણ જણાતા લોકો પણ સાવચેત બની કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી ખાતે પહોંચી રહ્યા છે.

રાજકોટની ૪ વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. તેમાં એક ૧૪ વર્ષની ધો.૧૦ની વિદ્યાર્થિની શુક્રવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ, અન્ય એક ૧૫ વર્ષનો વિદ્યાર્થી, યુનિવર્સિટી રોડ પર નીલસીટીમાં રહેતો ૧૫ વર્ષનો વિદ્યાર્થી, અમીન માર્ગ – અક્ષર રોડ પર રહેતો ૧૩ વર્ષનો વિદ્યાર્થી અને કાલાવડ રોડ પર રહેતો ૧૪ વર્ષનો વિદ્યાર્થી તથા સાધુ વાસવાણી રોડ પર રહેતા ૩૬ વર્ષીય શિક્ષક પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.