રાજકોટ શહેરમાં ગૌસેવા અને ધાર્મિક ભાવનાઓને સમર્પિત એક ભવ્ય અને ભાવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૨ ઓગસ્ટ ૨૦૨૫ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ શહેરની જાણીતી સંસ્થા “જૈન વિઝન” દ્વારા પાંજરાપોળ ખાતે ગૌસેવા પ્રકલ્પ અંતર્ગત ગૌમાતાને ૫૬ ભોગ ધરાવવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગૌમાતાની વિશેષ પૂજા-અર્ચના, આરતી અને ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ૫૬ પ્રકારના ભોજન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્ર વૃષભ રૂપાણી, જૈન વિઝનના પ્રમુખ, જૈન સમાજના આગેવાનો, સેવાભાવી કાર્યકર્તાઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૌસેવાના કાર્યને ભક્તિભાવ સાથે ઉજાગર કરવામાં આવ્યું હતું. ઘંટ, શંખ અને આરતીના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ૫૬ ભોગમાં ફળો, શાકભાજી, મિઠાઈઓ, અનાજ અને પરંપરાગત વ્યંજનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે ગૌમાતાને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયા.
કાર્યકર મિલાન કોઠારીએ જણાવ્યું, “આ કાર્યક્રમ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ગૌસેવાના ભાવને હૃદયપૂર્વક ઉજાગર કરતી ઉજવણી છે. ગૌમાતા આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે, અને તેમની સેવામાં ભગવાનની સેવા સમાયેલી છે.” તેમણે ઉમેર્યું, “વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરીએ છીએ. જા આપણે ૫૬ ભોગ આરોગી શકીએ છીએ, તો ગૌમાતા, જેમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે, તેમને પણ આ ભોગ ધરાવવા જાઈએ.”
જૈન વિઝન દ્વારા ભવિષ્યમાં વધુ ગૌસેવા પ્રકલ્પો હાથ ધરવાની યોજના છે, જેથી યુવાઓમાં ગૌમાતા પ્રત્યેના સંસ્કાર વિકસે અને ગૌસેવાને માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નહીં, પરંતુ સામાજિક ફરજ તરીકે ઉજાગર કરી શકાય. આ કાર્યક્રમને રાજકોટના નાગરિકો અને જૈન સમુદાય તરફથી ઉચ્ચ પ્રતિસાદ મળ્યો હતો, જે ગૌસેવા અને ધાર્મિક ભાવનાઓ પ્રત્યેની તેમની શ્રદ્ધાને પ્રતિબિંબિત કરે છે.