તા.૧૩ સપ્ટેમ્બર, શનિવારે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ–કાગવડ દ્વારા અગત્યની બેઠક યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ચેરમેન નરેશભાઈ પટેલે સંભાળ્યું હતું. આ બેઠકમાં આવનારી નવરાત્રિ પદયાત્રાના આયોજન, સંગઠનના મજબૂતિકરણ અને ટ્રસ્ટના આગામી કાર્યક્રમોની વ્યૂહરચના અંગે
વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, ઝોન કન્વીનરો, કન્વીનરો, સહ કન્વીનરો સાથે સાથે શ્રી ખોડલધામ મહિલા સમિતિ, યુવા સમિતિ, શિક્ષણ પાંખ, લીગલ સમિતિ તથા નવરાત્રિ મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન દરેક સમિતિએ પોતાના ક્ષેત્રની કામગીરી અને ભવિષ્યના આયોજન અંગે પ્રસ્તુતિ આપી હતી. ખાસ કરીને યુવા અને મહિલા સમિતિને સક્રિય બનાવીને સમાજજાગૃતિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિશાળ જનસહભાગીતા સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું કે નવરાત્રિ પદયાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતિક છે. આવનારા દિવસોમાં ખોડલધામ ટ્રસ્ટ વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજસેવા અને સાંસ્કૃતિક એકતાને આગળ વધારશે.