રાજકોટમાં રહેતી મહિલાને સદર ચોકમાં દુકાન ધરાવતા વેપારીએ પોતે પરિણિત હોવા છતાં કુવારો છે તેમ કહી મહિલાને બે વર્ષ સુધી પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શરીર સંબંધ બાંધી હવસનો શિકાર બનાવાયાની તરછોડી દેતા તેને તેના અને તેના ભાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે મહિલાની ફરિયાદ પર તે બંને ભાઈ સામે ગુનો નોંધી તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
આ અંગે બનાવની મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલાનાં છુટાછેડા થઈ ગયા છે.અને તે તેની માતા- પિતાથી અલગ રહે છે. ૨૦૨૦ની સાલમાં તે સદર બજારમાં પ્રિન્સ એક્વેરીયમ નામની દુકાન ધરાવતા ચેતનસિંહ એન. નકુમને ત્યાં નોકરીએ લાગી હતી. તે વખતે ચેતનસિંહે તેને પોતે કુવારો હોવાનું જણાવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી તેને રેસકોર્ષ પાર્કમાં ફલેટ ભાડે લઈ દીધો હતો. જયાં તે ભોગ બનનાર સાથે રહેતો હતો. એટલું જ નહીં તેની સાથે અવાર નવાર શરીર સંબંધ પણ બાંધતો હતો.
આખરે ચેતનસિંહનાં પરિવારને તેના પ્રેમપ્રકરણની જાણ થતાં તેના ઘરે ઝઘડા શરૂ થઈ ગયા હતાં.પરિણામે ચેતનસિંહનાં ભાઈ અલ્પેશે ભોગ બનનારને કહ્યું કે, તેનો ભાઈ પરિણીત છે. જેથી તેનો પીછો છોડી દે. આમ કહી ભોગ બનનારને ગાળો આપી જા તેનાં ભાઈ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે ચેતનસિંહે ભોગ બનનાર સાથે રેસકોર્ષ પાર્કનાં ફલેટમાં રહેવાનું બંધ કરી દીધું હતું. અને તેને છોડી દીધી હતી. જેને કારણે ભોગ બનનારને છેતરાઈ ગયાનો જાણ થતાં તેણે આજે બન્ને ભાઈઓ વિરૂધ્ધ પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપી ભાઈઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.