રાજકોટમાં રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાના કેસનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. તેના પગલે રાજકીય અને સામાજિક વર્તુળોમાં હડકંપ મચી ગયો છે. અમિત ખૂંટની સ્યુસાઇડ નોટમાં રાજકીય અગ્રણી સામેના આક્ષેપો કરવામાં આવ્યા હોવા છતાં પોલીસે હજી સુધી કોઈ પગલાં ન લેતા કુટુંબીજનો અને સામાજિક આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ખૂંટની સ્યુસાઇડ નોટમાં સ્થાનિક રાજકારણી અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પર ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. આ સ્યુસાઇડ નોટના આધારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં પણ અનિરુદ્દસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે પોલીસ ફક્ત ગુનો નોંધી બેસી રહી છે. આગળ કોઈ પગલાં ભરી રહી નથી. ગુનો નોંધાયાના અનેક દિવસો પસાર થઈ ગયા હોવા છતાં મુખ્ય આરોપીઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા હજી પણ પોલીસ પકડથી દૂર છે. હાલમાં તે ફરાર હોવાનું જણાઈ રહ્યું છે. આરોપીની ધરપકડ ન થતાં રીબડા ગામના લોકોમાં અને પાટીદાર સમાજમાં ભારે અસંતોષ અને આક્રોશની લાગણી જાવા મળી રહી છે. અમિત ખૂંટ પરિવાર પણ ન્યાય મળતો ન હોવાના કારણે અત્યંત ચિંતિત છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમિતના કુટુંબીજનો અને રીબડાના યુવાનોએ રાજકોટ ખાતે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકનો હેતુ અમિત ખૂંટના પરિવારના ઝડપથી ન્યાય અપાવવાનો હતો. આ બેઠકમાં આગળ કેવા પ્રકારના કાયદાકીય પગલાં ભરવા, પોલીસ પર દબાણ લાવવાનું અને આરોપીઓની ધરપકડ સુનિશ્ચિત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે ભાવિ કાયદાકીય લડાઈ કયા પ્રકારને કરવી તેના અંગે પણ સલાહમસલત થઈ હતી.
અમિત ખૂંટના પરિવારના સભ્યો અને રીબડા ગામના લોકો હવે આગળ કઈ રીતે ન્યાય મેળવવા માટે પ્રયાસ કરશે તેના પર બધાની નજર છે. આ કેસમાં પોલીસ તંત્રની કાર્યવાહીને લઈ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આટલા સંવેદનશીલ કેસમાં મુખ્ય આરોપીઓ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી.








































