શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાણાવટી ચોક પાસે આવેલી આવાસ યોજનામાં ચાર વર્ષીય બાળક પાણીમાં પડી ગયો હતો. જે બાદ તેનું મોત નીપજ્યું છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના નાણાવટી ચોક પાસે આવેલી આવાસ યોજનાના એક ઘર પાસે ચાર વર્ષનું બાળક રમી રહી હતી. આ દરમિયાન પાણીના ટાંકામાં પડી જવાના કારણે માસૂમનું મૃત્યુ થયું છે. બનાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ દ્વારા બી.એન.એસ.એસની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે.
સમગ્ર મામલે ચાર વર્ષીય માસૂમ બાળક પિતા રાહુલ અઘારા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, સંતાનમાં પોતાને બે જેટલા દીકરાઓ છે. સોમવારના રોજ બહાર જવાનું હોવાથી સૌ પ્રથમ મોટા દીકરાને તૈયાર કરવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ તે પાડોશમાં રહેતા સંબંધીને ત્યાં ગયો હતો. તે અરસામાં નાના દીકરાને તૈયાર કરવાનો હતો. પરંતુ તે ઘરની આસપાસથી ક્યાય મળી આવ્યો ન હતો. પરિવારને એમ હતું કે દીકરો સંબંધીને ત્યાં ગયો છે. પરંતુ શોધખોળ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દીકરો રમતાં રમતાં પાણીના ખુલ્લા ટાંકામાં પડી ગયો છે.ત્યારબાદ તાત્કાલિક અસરથી તેને પાણીના ટાંકામાંથી બહાર કાઢીને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રાહુલ અઘારા રીક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. હાલ આ પરિવાર સહિત આખા પંથકમાં ભારે દુખની લાગણી છે.