રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવિયા ગામે ભાજપના જ આગેવાન ધીરુભાઈ તળપદા દ્વારા વીજ ચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ પીજીવીસીએલના કર્મચારીઓએ જ્યારે વીજચોરી પકડી પાડી ત્યારે તેમની ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પડધરી પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી ઇજનેર ભાર્ગવ પુરોહિત પર થયેલા હુમલા મામલે ફરિયાદ નોંધવામાં આવી રહી છે. ત્યારે ફરિયાદ નોંધવામાં રાજકીય હસ્તક્ષેપ જિલ્લા ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવશે કે કેમ તે જાવું અતિ મહ¥વનું બની રહેશે.
જુનિયર ઇજનેર પી.એસ.યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજ રોજ અમારી પીજીવીસીએલ હેડ ઓફિસ ખાતે સૂચના મળી હતી કે, પડધરી તાલુકાના મોવિયા ગામે ચેકિંગ ડ્રાઇવ યોજવાની છે. જે અંતર્ગત આજ રોજ અમે સવારના ૮ઃ૩૦ વાગ્યા આસપાસ ચેકીંગ અર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ મોવીયા ગામના મુખીયા ધીરુભાઈ તળપદાના ઘરમાં તેમજ તેમના પેવર બ્લોકના પ્લાન્ટમાં વીજચોરી સ્પષ્ટપણે ઝડપાઈ હતી. ત્યારે તે બાબતે અમે વધુ કાર્યવાહી કરે તે પૂર્વે જ ભાર્ગવ પુરોહિત અને તેમના સાથી કર્મીઓ પર ધીરુભાઈ તળપદા તેમજ ૪૦ જેટલા માણસોના ટોળાએ હુમલો કર્યો હતો.
જે હુમલામાં ડેપ્યુટી ઈજનેર ભાર્ગવ પુરોહિતને આંખના ભાગે તેમજ માથાના ભાગે અને મૂઢ માર પણ અન્ય જગ્યાએ લાગેલો છે. જેના કારણે તાત્કાલિક અસરથી તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવિયા ગામે જે પ્રમાણે પીજીવીસીએલના કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે તે અંગે પીજીવીસીએલના એમડી વરણ કુમાર બરનવાલે જણાવ્યું છે કે, સમગ્ર ઘટનાની જાણ થતા મેં રાજકોટ જિલ્લાના એસપી સાથે વાતચીત કરી છે. ઘટના અંગે તેઓ દ્વારા પડધરી પોલીસને ગુનો નોંધવા માટે તેમજ ગુનેગારોને તાત્કાલિક અસરથી ઝડપી પાડવા માટે સુચના આપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના આગેવાન ધીરુભાઈ તળપદા પર પીજીવીસીએલના કર્મચારીઓએ એક તરફથી હુમલો કર્યાના આક્ષેપો કર્યા છે. ત્યારે બીજી તરફ મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં ધીરુભાઈ તળપદાએ પોતાની પર લગાવેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં ધીરુભાઈ તળપદા જણાવ્યું છે કે હું જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ઝપાઝપી કર્તા વ્યક્તિઓને મેં માત્ર છોડાવવાનો પ્રયાસ કર્યો છે. મેં કોઈ પણ વ્યક્તિ પર હુમલો કર્યો નથી.